VIDEO: "ઢાબાવાળા અને ડિલિવરી બોયે મળીને મણિપુરના સંગીતકારને રહેંસી નાખ્યો, 8 આરોપીઓની ધરપકડ બાદ દિલ્હીમાં ભયંકર આક્રોશ!"
દક્ષિણ દિલ્હીમાં મોડી રાત્રે થયેલી હિંસક અથડામણમાં મણિપુર મૂળના ૫૪ વર્ષીય જાણીતા સંગીતકાર સી. વિક્રમ સિંહના મોતના મામલે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ દુઃખ વ્યક્ત કરતાં કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ અને ઢાબા કામદારો દ્વારા કથિત રીતે કરવામાં આવેલા શારીરિક હુમલા બાદ સિંગરનું મૃત્યુ નીપજ્યું હતું, જેના પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મોડી રાત્રે સંગીત અને અવાજને લઈને થયો હતો વિવાદ
ઘટના અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે, "આ અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના છે. મણિપુરના સંગીતકાર વિક્રમ સિંહનો દક્ષિણ દિલ્હીમાં મોડી રાત્રે કેટલાક ડિલિવરી બોય્સ અને ઢાબા કામદારો સાથે વિવાદ થયો હતો, જે બાદમાં શારીરિક ઝપાઝપીમાં ફેરવાઈ ગયો અને પરિણામે તેમનું મૃત્યુ થયું. મોડી રાત્રે સંગીત અને ઘોંઘાટને કારણે આ ઝઘડો શરૂ થયો હતો, જેણે અંતે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો."
તમામ ૮ આરોપીઓની ધરપકડ, ૨ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ થશે
પોલીસ કાર્યવાહી અંગે અપડેટ આપતાં તેમણે કહ્યું કે, આ મામલે સાઉથ દિલ્હી રેન્જના આઈજીપી, ડીસીપી તેમજ નોર્થ-ઈસ્ટ રિજનના સ્પેશિયલ પોલીસ સેલના જોઈન્ટ કમિશનર સાથે તાત્કાલિક સમીક્ષા કરવામાં આવી છે. ઘટનામાં સંડોવાયેલા તમામ 8 વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપીઓ અલગ-અલગ સમુદાય અને રાજ્યોમાંથી દિલ્હીમાં કામ માટે આવ્યા હતા, જેઓ ઢાબા તેમજ ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા.
દિલ્હી પોલીસે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી છે અને વિક્રમ સિંહના પાર્થિવ દેહને મણિપુર પહોંચાડવા માટેની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે. પોલીસે ખાતરી આપી છે કે 2 અઠવાડિયાની અંદર કોર્ટમાં એક મજબૂત અને પુરાવાઓથી સજ્જ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે જેથી દોષિતોને સખતમાં સખત સજા થઈ શકે.

