Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 47 people were declared dead on paper and crores of rupees defrauded

47 લોકોને કાગળ પર 279 વખત મૃત બતાવી સહાયના નામે કરોડોની છેતરપિંડી, જે વૃદ્ધને 19 વાર માર્યા તે જીવિત નિકળ્યા

Timeછેલ્લું અપડેટ : 28 May 2025
લાઇવ ટીવીGoogle News
47 લોકોને કાગળ પર 279 વખત મૃત બતાવી સહાયના નામે કરોડોની છેતરપિંડી, જે વૃદ્ધને 19 વાર માર્યા તે જીવિત નિકળ્યા

મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં સર્પદંશના નામે 11.26 કરોડ રુપિયાની છેતરપિંડીનો કેસ ચર્ચામાં છે. આ કૌભાંડમાં 47 લોકોને કાગળો પર 279 વખત મરેલા બતાવીને સરકારી સહાયની રકમ હડપી લીધી હતી. તેમાંથી એક મલારી ગામના 70 વર્ષીય કિસાન સંત કુમાર બધેક કે, જેમને કાગળ પર 19 વાર સાપે ડંખ મારવાના કારણે મૃત બતાવવામાં આવ્યા છે અને તેમના નામે 76 લાખ રુપિયા હડપી લેવામાં આવ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે, સંત કુમાર જીવિત છે અને સ્વસ્થ છે.

App Store

ગામમાં 60-70 વર્ષથી એકાદ બે લોકોને સાપ કરડવાથી મૃત્યુ થયું હતું

સંત કુમાર બધેકે કહ્યું કે, 'મને ચાર દિવસ પહેલા ખબર પડી કે મારા નામે સાપ કરડવાથી મૃત્યુ થયુ હોવાનું બતાવીને મોટી રકમ નીકાળી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે, મહત્ત્વની વાત એ છે કે, મને ક્યારેય સાપ કરડ્યો જ નથી. ગામમાં 60-70 વર્ષથી એકાદ બે લોકોને સાપ કરડવાથી મૃત્યુ થયું હતું.'

'હું આ મામલે માનહાનીનો કેસ દાખલ કરવાનો છું'

કિસાન સંત કુમારે વધુમાં કહ્યું કે, 'આ ઘટનાથી મારી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. કેટલાક લોકો એવું માની રહ્યા છે આ પૈસા મેં લીધા છે. જ્યારે આમાંથી એક પણ રુપિયો મેં લીધો નથી.' હૃદયરોગની બિમારીથી પીડાતાં વૃદ્ધ સંત કુમારે કહ્યું કે, 'હું આ મામલે માનહાનીનો કેસ દાખલ કરવાનો છું અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરીશ.'

યોજનામાં 279 નકલી કેસોમાં 11 કરોડ 26 લાખ રૂપિયા લૂંટ્યા

તમને જણાવી દઈએ કે, આ કૌભાંડ 2019થી 2022 દરમિયાન કેવલારી તાલુકામાં થયું છે. મધ્યપ્રદેશ સરકારની આ યોજના હેઠળ સાપ કરડવા પર, પાણીમાં ડુબી જવા પર, આકાશમાંથી વીજળી પડવાથી મૃત્યુ થવા પર પરિવારજનોને 4 લાખ રુપિયા વળતર ચૂકવવામાં આવે છે. આ યોજનાનો દુરુપયોગ કરીને 279 નકલી કેસોમાં 11 કરોડ 26 લાખ રૂપિયા લૂંટવામાં આવ્યા હતા.

જે નામો અસ્તિત્વમાં જ નથી તેવા લોકોના નામે કરોડો પડાવ્યા

તપાસમાં સામે આવ્યું કે, 'બિછુઆ રાયત ગામની 'દ્વારકાબાઈ' (જે હકીકતમાં ક્યારેય અસ્તિત્વમાં હતી જ નહીં ) જેવા કેટલાક લોકોને 29 વખત મૃત બતાવવામાં આવ્યા હતા અને 1 કરોડ 16 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. આજ પ્રમાણે 'શ્રી રામ' નામના વ્યક્તિને 28 વખત મૃત બતાવવામાં આવ્યા હતા અને રકમ હડપી લેવામાં આવી હતી. જેનું પણ ગામમાં કોઈ અસ્તિત્વ મળ્યું નથી.

સંત કુમારે જણાવ્યું કે, હું 1994થી 1998 સુધી મલારી ગામના સરપંચ રહ્યો છું, પરંતુ મારો તાલુકા કચેરી સાથે કોઈ સંપર્ક નહોતો. તાજેતરમાં મને આ કૌભાંડ વિશે ખબર પડી. તેઓનું કહેવું છે કે, "ન તો મને કોઈ પત્ર મળ્યો છે, ન તો કોઈ અધિકારી મને મળવા આવ્યા છે અને ન તો પોલીસે પણ મારી પૂછપરછ કરી છે.

કૌભાંડનો મુખ્ય આરોપી કેવલારી તાલુકા કચેરીનો કારકુન 'સચિન દહાયત'

આ કૌભાંડનો મુખ્ય આરોપી કેવલારી તાલુકા કચેરીના કારકુન સચિન દહાયત હોવાની માહિતી મળી છે. જેને બરતરફ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. 2022માં પોલીસે 37 લોકોને આરોપી બનાવ્યા હતા, જેમાંથી 21ની ધરપકડ કરવામાં આવી હતી અને 20ને જમાનત આપવામાં આવી હતી.