છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 34 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ

છત્તીસગઢમાં નક્સલવાદી સંગઠનો હવે ખતમ થવાને આરે છે. મોદી સરકારે નક્સલ મુક્ત કરવાનો સંકલ્પ સાકાર તરફ આગળ વધી રહ્યો છે. હવે નક્સલવાદીઓ હથિયારો છોડીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરી રહ્યા છે. એ જ ધારાપ્રવાહમાં છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં વધુ 34 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં 27 પુરુષો અને 7 મહિલાઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ આમાંથી 26 નક્સલીઓ પર સરકારે 84 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરેલું હતું.આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ઘણા PLGA અને લશ્કરી સભ્યો અને કમાન્ડરોનો સમાવેશ થાય છે, જે છત્તીસગઢમાં સુરક્ષા દળોની મોટી સફળતા છે.
બીજાપુરમાં મુખ્ય શરણાગતિ
નકસલવાદથી સૌથી વધુ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં એક સાથે 34 નક્સલીઓની શરણાગતિ મહત્ત્વની ઘટના છે. શરણાગતિ લીધેલા નક્સલીઓમાંથી પાંચ પર રૂપિયા 8 લાખનું ઈનામ હતું. જ્યારે 3 નક્સલીઓ પર રૂપિયા 5 લાખનું ઇનામ જાહેર કરાયેલું હતું. 10 નક્સલીઓના માથે 2 લાખનું અને 7 જણાના નામે 1 લાખનું ઈનામ જાહેર કરેલું હતું. આમા ઘણાં કમાન્ડરો પણ હતા. આ નક્સલીઓના આત્મસમર્પણને બીજાપુર જિલ્લામાં પોલીસ દળ માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.
બીજાપુર જિલ્લો નક્સલમુક્ત બન્યો
છત્તીસગઢનો બીજાપુર જિલ્લો ધીમે ધીમે નક્સલમુક્ત બનવા તરફ આગળ વધી રહ્યો છે. જણાવી દઈએ કે 1 જાન્યુઆરી, 2024 થી અત્યાર સુધીમાં કુલ 824 નક્સલીઓએ સમર્પણ કર્યું છે તો 220 નક્સલીઓ પોલીસે એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. જ્યારે 1,079 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષાદળોની કાર્યવાહીને પગલે નક્સલીઓ ધીમે ધીમે મુખ્ય પ્રવાહમાં પાછા ફર્યા છે. જણાવી દઈએ કે, સરકારે તાજેતરમાં જ આત્મસમર્પણ કરનારા નક્સલીઓ સામેના કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. સરકારની ઘણી યોજનાઓનો લાભ નક્સલીઓ મેળવી રહ્યા છે.

