કફ સિરપ પીધા બાદ છિંદવાડામાં વધુ 3 બાળકોના મોત, રાજસ્થાનમાં ડોક્ટર ફાર્માસિસ્ટ સસ્પેન્ડ

મધ્ય પ્રદેશના છિંદવાડામાં વધુ 3 બાળકોના મોત થયા છે. કફ સિરપ પીધા બાદ કિડની ફેઈલ જતાં છેલ્લા 28 દિવસમાં 9થી વધુ બાળકોના મોત થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. રાજસ્થાનમાં પણ કેટલાક બાળકોના કફ સિરપ પીધા બાદ મોત થયાની ઘટના સામે આવી છે. મધ્ય પ્રદેશમાં તાત્કાલિક અસરથી બે કફ સિરપ પર પ્રતિબંધ પણ લાદ્યો છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં 4 સપ્ટેમ્બર બાદ કેટલાય બાળકોના મોત થયા છે. જેમાં બધાના લક્ષણો એક જેવા જણાયા હતા. જીવ ગુમાવનારા તમામ બાળકોમાં શરૂઆતમાં શરદી- ખાંસી અને તાવ જેવા લક્ષણો હતા.
એવું કહેવામાં આવે છે કે આ બાળકોને એક જ પ્રકારની કફ સિરપ આપવામાં આવી હતી. એ પછી તેમની તબિયત બગડી હતી. એ પછીથી બાળકોમાં કિડની ફેલ થવાની સમસ્યા બાદ મોત થયું છે.
જબલપુરના ડ્રગ ઇન્સ્પેક્ટર શરદ કુમાર જૈને જણાવ્યું હતું કે, "અમારી તપાસ મુજબ, કટારિયા ફાર્માસ્યુટિકલ્સે ચેન્નાઈ સ્થિત એક કંપની પાસેથી કોલ્ડ્રિફ કફ સિરપની 660 બોટલ મંગાવી હતી. આમાંથી 594 બોટલ છિંદવાડામાં સપ્લાય કરવામાં આવી હતી, બાકીની 66 બોટલ રેફ્રિજરેટેડ હતી અને 16 બોટલો લેબ પરીક્ષણ માટે ભોલ્પ લેબમાં મોકલવામાં આવી છે.
રાજસ્થાન મેડિકલ અને હેલ્થ ડિપાર્ટમેન્ટે ગુરુવારે સીકર જિલ્લાના હાથીદેહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે બાળકોને પ્રતિબંધિત કફ સિરપ લખવા બદલ ડૉક્ટર અને ફાર્માસિસ્ટને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં રાજ્યની મફત દવા યોજના હેઠળ વિતરિત કફ સિરપની ગુણવત્તા અંગેની ફરિયાદો બાદ મેડિકલ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ ગંભીર કાર્યવાહી કરી રહ્યું છે.

