પેરિસની સફર, મોંઘી હોટેલમાં રૂમ… ચંદીગઢના 3 IAS ઓફિસરોએ કરદાતાના પૈસાથી કર્યા જલસા

હરિયાણાના ત્રણ IAS અધિકારીઓએ પ્રજાના પૈસે આલિશાન પેરિસ પ્રવાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ કેગના રિપોર્ટમાં થયો છે. આ અધિકારીઓ બિઝનેસ ક્લાસ ટિકિટ લીધી હતી, આલિશાન ફાઈવ સ્ટાર હોટેલમાં ઉતર્યા હતા અને બેહિસાબ ખર્ચ કર્યો હતો. ઓડિટ રિપોર્ટમાં આઈએએસ અધિકારીઓની આ ચોંકાવનારી ટ્રિપનો ખુલાસો થયો છે.
બેહિસાબ રીતે કરેલા ખર્ચાઓ પર કેગનું ઓડિટ
આ ત્રણેય અધિકારી 2015માં, સત્તાવાર ફ્રાન્સ પ્રવાસ પર ગયા હતા. તેમણે બેહિસાબ રીતે કરેલા ખર્ચાઓ પર કેગના ઓડિટના લીધે સવાલ ઊભો થયો છે.ચંદીગઢ પ્રશાસનના તત્કાલીન સલાહકાર વિજય કુમાર દેવ, ગૃહ સચિવ અનુરાગ અગ્રવાલ અને સચિવ (વ્યક્તિગત) વિક્રમ દેવ દત્ત આ યાત્રા પર નીકળ્યા હતા. જેમાંથી બે અધિકારીઓની બદલી કરવામાં આવી છે જ્યારે એક નિવૃત્ત થયા છે.
અધિકારીઓએ કુલ 25 લાખ રુપિયાથી પણ વધુ રકમનો ખર્ચ કર્યો
આ અધિકારીઓએ કુલ 25 લાખ રુપિયાથી પણ વધુ રકમનો ખર્ચ કર્યો હતો. જ્યારે મંજૂર 18 લાખ રુપિયા થયા હતા. તેમાં તે ફાઈવ સ્ટારમાં ઉતર્યા હતા. તેમણે બિઝનેસ ક્લાસની 1.77 લાખ રુપિયાની ટિકિટો ખરીદી હતી. હોટેલ બદલવાના લીધે 6.7 લાખ રૂપિયા વધારે ખર્ચ્યા હતા. વિજય દેવે પ્રવાસ માટે 6.5 લાખ, અનુરાગ અગ્રવાલે 5.6 લાખ અને વિક્રમદેવ દત્તે 5.7 લાખ રુપિયા ખર્ચ્યા હતા.
તપાસમાં ખબર પડી કે અધિકારીઓએ એકબીજાના પ્રવાસને મંજૂરી આપી
2015માં ચંદીગઢ વહીવટીતંત્રને ફ્રેન્ચ આર્કિટેક્ટ લી કોર્બુજરની 50મી જન્મજયંતિ નિમિત્તે એક બેઠક માટે પેરિસમાં લી કોર્બુજેર ફાઉન્ડેશન તરફથી આમંત્રણ મળ્યું. લી કોર્બુજેરે ચંદિગઢ શહેરનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો. ચંદીગઢ વહીવટીતંત્રએ આ આયોજન માટે ચાર અધિકારીઓના નામ નક્કી કર્યા હતા. વિજય દેવ, વિક્રમ દેવ દત્ત અને અનુરાગ અગ્રવાલ માટે ગૃહ મંત્રાલયમાંથી મંજૂરી માંગવામાં આવી હતી. પ્રવાસનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને અનુમોદન આપવામાં આવ્યું હતું. તપાસમાં ખબર પડી કે અધિકારીઓએ એકબીજાના પ્રવાસને મંજૂરી આપી.
તેઓ નિયમને ઘોળીને પી ગયા: ઓડિટ રિપોર્ટ
કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ આમંત્રણ ચંદીગઢના મુખ્ય આર્કિટેક્ટ માટે હતું , પરંતુ સચિવ સ્તરના ત્રણ અધિકારી ચાલ્યા ગયા, તે પણ કરદાતાના રૂપિયા પર. આ યાત્રા યજમાન ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત પણ હતી, બધા ખર્ચાની ચૂકવણી ચંદીગઢના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી. તેમા અધિકારીઓએ તે નિયમની પણ અવગણના કરી જેમા સ્ક્રીનિંગ કમિટીની મંજૂરી વગર પાંચ દિવસથી વધારે દિવસની કોઈપણ વિદેશ યાત્રાને મંજૂરી નથી. જ્યારે આ પ્રવાસ સાત દિવસનો હતો. આમ તેઓ નિયમને ઘોળીને પી ગયા.

