ઉત્તરાખંડમાં પેસેન્જર બસ ઊંડી ખીણમાં ખાબકી, 3નું ઘટના સ્થળે મોત, 6થી વધુ ગંભીર ઈજાગ્રસ્ત

ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના કાલસી વિસ્તારમાં હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક પેસેન્જર બસ ઊંડી ખીણમાં પડી ગઈ. આ બસમાં અકસ્માત સમયે અંદાજિત 30 જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં 3 મુસાફોના ઘટના સ્થળે મોત થયા છે. 6થી 7ની અતિ ગંભીર સ્થિતિ છે. જ્યારે અન્ય લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. મૃતકોમાં બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
SDRF ટીમો બચાવ માટે પહોંચી
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)એ જણાવ્યું કે, મંગળવારે ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના કાલસીમાં ક્વાનુ-મિનાસ રોડના એક દૂરના વિસ્તારમાં હિમાચલ રોડવેઝની એક બસ અકસ્માતનો ભોગ બની અને ઊંડી ખીણમાં પડી ગઈ. માહિતી મળતાં અને SDRF કમાન્ડન્ટ અર્પણ યદુવંશીના આદેશ પર, ડાકપથર, ચક્રતા, મોરી અને ટુનીની SDRF ટીમોને તાત્કાલિક અકસ્માત સ્થળ પર મોકલવામાં આવી. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
સીએમ ધામીએ આપ્યા આદેશ
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું,અમને કાલસી વિસ્તારમાં (દેહરાદૂન) હિમાચલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ સાથે થયેલા અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. મેં ફોન પર જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી જરૂરી સૂચનાઓ આપી છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. નજીકના તમામ તબીબી કેન્દ્રોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જો જરૂરી હોય તો ગંભીર રીતે ઘાયલ મુસાફરોને એરલિફ્ટ કરીને અદ્યતન તબીબી કેન્દ્રોમાં લઈ જવામાં આવશે. હું બધા મુસાફરોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.
તમિલનાડુમાં પણ બસ અકસ્માત
રવિવારે વહેલી સવારે તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં તિરુચી-ચિદમ્બરમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સમયપુરમ મરિયમ્મન મંદિરથી પરત ફરી રહેલા યાત્રાળુઓને લઈ જતી એક વાન પલટી ગઈ હતી. આ અકસ્માત પોયુર ગામ નજીક થયો હતો.

