296 મોત... ₹3212 કરોડનું નુકસાન,... હિમાચલમાં ચોમાસાએ મચાવી ભયાનક તારાજી

હિમાચલ પ્રદેશમાં 30 જૂનથી 15 સપ્ટેમ્બર સુધીના ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને કુદરતી આફતોથી વ્યાપક નુકસાન થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ₹3212.21 કરોડનું નુકસાન નોંધાયું છે, જ્યારે કુલ 296 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા રાજ્યના તાજેતરના અહેવાલમાં સામે આવ્યા છે.
કુદરતી આફતોમાં 119 લોકોનાં મોત
ચોમાસા દરમિયાન થયેલા કુલ 296 મૃત્યુમાંથી 119 લોકોનાં મોત સીધી રીતે કુદરતી આફતો અને હવામાન સંબંધિત ઘટનાઓને કારણે થયા છે. જ્યારે 177 લોકોનાં મોત માર્ગ અકસ્માતમાં થયા છે. આ સમયગાળા દરમિયાન 520 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ભારે વરસાદ, ભૂસ્ખલન સહિતની ઘટનાઓથી અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે.
મકાનો અને માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન
ચોમાસાની આફતથી રાજ્યમાં 131 મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે, જ્યારે 502 મકાનોને આંશિક નુકસાન થયું છે. માર્ગ અને પુલોને થયેલા નુકસાનને કારણે લોક નિર્માણ વિભાગને ₹2744.67 કરોડનું નુકસાન થયું છે. જ્યારે જલ શક્તિ વિભાગને ₹38.57 કરોડનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે.
59 રસ્તા હજુ પણ બંધ
હિમાચલ પ્રદેશમાં હજુ પણ 59 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. મંડી જિલ્લામાં સૌથી વધુ 27 રસ્તા અને કુલ્લુમાં 12 રસ્તા બંધ છે. આ ઉપરાંત 11 પીવાના પાણીની યોજનાઓ અને બે વીજળીના ટ્રાન્સફોર્મર પણ અસરગ્રસ્ત છે. બંધ માર્ગો અને અન્ય સુવિધાઓને ફરી શરૂ કરવા માટે કામગીરી ચાલી રહી છે.
આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહીં
હવામાન વિભાગના તાજેતરના અનુમાન મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી. 16 અને 17 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે 18થી 21 સપ્ટેમ્બર દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હવામાન સાફ રહેવાની શક્યતા છે અને ગણતરીના સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.

