ઓપરેશન મહાદેવ બાદ જમ્મુના પૂંછમાં સેનાનું 'ઓપરેશન શિવશક્તિ', બે આતંકી ઠાર

ભારતીય સેના આતંકવાદ વિરૂદ્ધ એક-પછી એક ઓપરેશન હેઠળ આતંકીઓને ઠાર કરી રહી છે. ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોરએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં LOC પર એક સફળ આતંકવાદ વિરોધી અભિયાન ઓપરેશન શિવશક્તિ હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે, આ આતંકવાદીઓ સરહદ ઓળંગી ઘૂસણખોરી કરી રહ્યા હતાં. તેમની પાસેથી ત્રણ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના ગુપ્ત સુત્રોએ આ આતંકવાદીઓ વિશે બાતમી આપી હતી.
વ્હાઈટ નાઈટ કોરએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓપરેશન શિવશક્તિ અંગે માહિતી આપી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે, અમારી સતર્ક સેનાએ સટીક લક્ષ્યો દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી આતંકવાદીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યા છે. આ અભિયાન બુધવારે સવારે શરૂ થયુ હતું. જે હાલ ચાલુ છે. સેનાએ જણાવ્યું કે, આ ઓપરેશન અમારા ગુપ્ત એકમો અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત કામગીરી દ્વારા સંચાલિત કરવામાં આવ્યું છે. જે સફળ રહ્યું છે.
પૂંછમાં એન્કાઉન્ટર
પૂંછ જિલ્લાના દેગવાર સેક્ટરમાં LOC પાસે શંકાસ્પદ ગતિવિધિની સૂચના મળ્યા બાદ સેના સતર્ક થઇ ગઇ હતી. સૂત્રો અનુસાર કેટલાક આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો અને વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તાર ગીચ અને અંતરિયાળ હોવાને કારણે અવાર નવાર આતંકીઓ તરફથી ઘૂસણખોરી કરવામાં આવે છે. સુરક્ષાદળોએ સચોટ કાર્યવાહી કરતા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધુ છે.
ભારતીય સેનાનું ઓપરેશન મહાદેવ
ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં એક મોટું ઓપરેશન ચલાવ્યું હતું જેને ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું. આ ઓપરેશન શ્રીનગરના ગીચ દાચીગામના જંગલોમાં ત્યારે શરૂ કરવામાં આવ્યું જ્યારે તપાસ એજન્સીઓને જાણકારી મળી કે પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદી ત્યાં છુપાયેલા છે. આ અભિયાન દરમિયાન સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા જેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયાર, દારૂગોળો અને કેટલાક દિવસનું રાશન મળ્યું હતું. આ દર્શાવે છે કે આતંકી લાંબા સમય સુધી જંગલોમાં રહીને કોઇ મોટા હુમલાની યોજના બનાવી રહ્યાં હતા.
માર્યા ગયેલા આતંકી TRF અને લશ્કર સાથે જોડાયેલા
સેનાની પૃષ્ટી અનુસાર, માર્યા ગયેલા આતંકીઓનો સંબંધ TRF સાથે હતો. TRF, લશ્કર-એ-તૈયબાનું એક સંગઠન માનવામાં આવે છે જેને પાકિસ્તાન તરફથી ભારતમાં આતંકવાદી ગતિવિધિને અંજામ આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ડ્રોન ફોટોગ્રાફીની મદદથી ત્રણેય આતંકવાદીઓના શબોની પૃષ્ટી કરવામાં આવી છે. આ આધુનિક ટેકનિકનો ઉપયોગ દર્શાવે છે કે કઇ રીતે ભારતીય સેના પોતાના અભિયાનોને સચોટતા અને રણનીતિ સાથે અંજામ આપી રહી છે.

