નાસિકમાં ફાયરિંગ પ્રેક્ટીસ દરમિયાન 2 અગ્નિવીરોના મોત, એક ગુજરાતનો યુવાન

મહારાષ્ટ્રના નાસિક આર્ટિલરી સેન્ટરમાં મોટી દુર્ઘટના બની હતી. જ્યાં અગ્નિવીરો ફાયરિંગની પ્રેક્ટિસ કરી રહ્યા હતા આ દરમિયાન વિસ્ફોટ થયો હતો. જેમાં બે અગ્નિવીર જવાનના મોત થયા છે. તો મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામનાર બે પૈકી એક ગુજરાતના રાજકોટનો જવાન હતો. જેની પોલીસે માહિતી આપી છે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર, નાસિકના આર્ટિલરી સેન્ટરમાં અગ્નિવીરો ફાયરિંગની તાલીમ લઈ રહ્યો હતા. આ દરમિયાન અગ્નિવીરોની એક ટીમ તોપમાંથી ગોળા ફેંકી રહી હતી ત્યારે અચાનક તોપનો ગોળો ફાટ્યો હતો. જેમાં પશ્ચિમ બંગાળના અગ્નિવીરના સૈફત શિત (21) અને ગુજરાતના ગોહિલ વિશ્વરાજ સિંહ (20) મૃત્યુ પામ્યા. જ્યારે ઘાયલ એક અગ્નિવીરની સારવાર દેવલાલીની એમએચ હોસ્પિટલમાં ચાલી રહી છે.
દુર્ઘટનામાં ગુજરાતના અગ્નીવીરનું મોત
નાસિકમાં થયેલી આ દુર્ઘટનામાં રાજકોટના અગ્નિવીર વિશ્વરાજ સિંહ ગોહિલનું મોત થયું છે. વિશ્વરાજ સિંહ ગોહિલ આચવડના વતની હતા. વિશ્વરાજ સિંહ હૈદરાબાદના કેમ્પમાંથી નાસિક તાલીમ માટે ગયા હતા.
ઘટનાની તપાસના આદેશ અપાયા
મળતી માહિતી અનુસાર, હવલદાર અજીત કુમારની ફરિયાદના આધાર પર દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ ઘટનાની તપાસનો આદેશ અપાયો છે.
NCP નેતા સુપ્રિયા સુલેએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો
NCP નેતા સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. "નાસિકમાં આર્ટિલરી સેન્ટરમાં ટ્રેનિંગ દરમિયાન થયેલા વિસ્ફોટમાં બે અગ્નિવીર જવાનના મોત થયા છે. આ ઘટના અત્યંત દુઃખદ છે. આ બંને સૈનિકો પ્રત્યે અમે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ."

