છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા: 10 નક્સલીઓ ઢેર; 1 કરોડનો ઇનામી બાલકૃષ્ણ પણ મોતને ભેટ્યો

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. રાયપુર રેન્જ આઈજી અમરેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, ગારિયાબંદમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને વચ્ચે-વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. કેટલાક નક્સલીઓ માર્યા ગયા હોવાની શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા નક્સલીઓમાં સીસી સભ્ય મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ પણ સામેલ છે, જેમને સંગઠનનો મોટો ચહેરો માનવામાં આવતો હતો. સુરક્ષા દળોની આ કાર્યવાહીને નક્સલ વિરોધી કાર્યવાહીમાં મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. બાલકૃષ્ણના નામે 1 કરોડનું ઈનામ પણ હતું.
રાયપુર રેન્જ આઈજી અમરેશ મિશ્રાએ એમ પણ કહ્યું હતું કે ગુરુવાર (11 સપ્ટેમ્બર) સવારથી ગારિયાબંદમાં નક્સલ વિરોધી કાર્યવાહી ચાલી રહી છે. સવારથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ કોણ હતો?
મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ નક્સલી સંગઠનનો ટોચનો નેતા હતો, જેના પર ઘણા ગંભીર ગુનાઓનો આરોપ લાગેલો છે. આમાં હત્યા, લૂંટ અને પોલીસ પર હુમલો સહિતના ગુનાઓ શામેલ છે. મનોજ ઉપર 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે તે નક્સલી પ્રવૃત્તિઓમાં કેટલો પ્રભાવશાળી હતો. તેના મૃત્યુથી નક્સલી સંગઠનની કમર તોડવામાં મદદ મળશે, કારણ કે તે ઘણા ઓપરેશનનો માસ્ટરમાઇન્ડ હતો. નક્સલી નાબૂદી અભિયાન હેઠળ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે હજુ પણ સમયાંતરે ગોળીબાર ચાલુ છે.

