કળિયુગી કંસ મામાનું કારસ્તાન, પ્રેમિકાને 30 લાખ આપવા ભીલાડમાં ભાણેજનું કરાવ્યું અપહરણ

કળિયુગી કંસ મામાના કારસ્તાનનો ભાંડો ફૂટી ગયો છે. વાપીથી ભીલાડમાં લગ્ન પ્રસંગમાં ગયા બાદ સાત વર્ષીય બાળક અચાનક ગુમ થતા પરિવારે પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. બાળક 39 કલાક બાદ વાપીની દમણગંગા નદી પાસે ઝાડી ઝાંખરામાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. આ કેસમાં મુંબઇમાં રહેતા બાળકના પિતરાઇ મામાએ જ પ્રેમિકાને 30 લાખ આપવા અન્ય બે વ્યક્તિને 10 લાખની લાલચ આપી અપહરણ કરાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચોઃ સુરતમાં જૂની અદાવતમાં હત્યા, બે ઈસમોએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી યુવકને ઉતાર્યો મોતને ઘાટ
ફોન ઝાડીમાં ફેંકી દીધા
23 ડિસેમ્બરના રોજ લગ્ન પ્રસંગના અંતિમ દિવસે રાત્રે લગ્ન મંડપમાં એકલા રમતા સાત વર્ષીય બાળકનું પિતરાઈ મામા સહિત ત્રણ ઈસમોએ અપહરણ કર્યું હતું. બાળકને કારમાં લઇને વાપી તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન બાળકને બેભાન કરવાના ઇરાદે ગળું દબાવ્યું હતું. જેથી બાળક બેભાન થઈ ગયું હતું. જોકે, આરોપીઓને લાગ્યું કે બાળક મરી ગયો છે. જેથી વાપી NH-48 નજીક આવેલા CETP પ્લાન્ટ નજીક ઝાડી ઝાંખરામાં બાળકને ફેંકી બાળક પાસે રહેલો એની નાનીનો મોબાઈલ નજીકમાં આવેલા ખુલ્લી જગ્યામાં ફેંકી દીધો હતો.
પ્રેમિકાને રૂપિયા આપવા અપહરણ કરાવ્યું
પોલીસે બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડીને આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા, જેમાં પોલીસે લગ્ન પ્રસંગે હાજર વ્યક્તિઓને ટ્રેસ કરતા ત્રણ વ્યક્તિઓ લગ્ન મંડપ વિસ્તારમાં અને જે જગ્યાએથી બાળક મળ્યો એ જગ્યાએ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બે આરોપીઓને મુંબઈથી ઝડપી લીધા હતા. જોકે, મુખ્ય આરોપી ઝડપાયો નહોતો. જે આરોપી આગ્રા હોવાની માહિતી મળતાં આગ્રા પોલીસની મદદ લઈને તેને પણ ઝડપી પાડ્યો હતો. મુખ્ય આરોપી શાહબાજ આ બાળકનો પિતરાઇ મામા થતો હોવાનો ખુલાસો થયો હતો. જેણે પ્રેમિકાને 30 લાખ આપવા ભાણેજનું અપહરણ કરાવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

