VIDEO: પારડી નજીક બોટ પલટી જતાં 7 લોકો ડૂબ્યાં; 6નો બચાવ, દોઢ વર્ષીય બાળક લાપતા, જુઓ ઘટનાના લાઈવ દ્રશ્યો
વલસાડના પારડીના ઉમરસાડી માછીવાડ ગામે મંગળવારે(22 સપ્ટેમ્બર) પારનદીમાં બોટ પલટી હોવાની દુર્ઘટના ઘટી હતી. અગિયારસના શુભ દિવસે મહિલા-બાળક સહિત માછીમારો 4 બોટ મારફતે પૂજા કરવા ગયા હતા. તેવામાં નદીમાં અચાનક બોટ પલટી જતાં અફરાતફરી મચી હતી. આ દુર્ઘટનામાં મહિલા સહિત તમામ બોટ સવારો તરીને નદી કિનારે પહોંચી જતા તેમનો જીવ બચી ગયો હતો. જો કે, બોટમાં સવાર એક બાળક ડૂબી જતાં તરવૈયાઓ અને સ્થાનિક માછીમારોએ નદીમાં લાપત્તા બાળકની શોધખોળ હાથ ધરી છે.
પારડીમાં મહિલા-બાળક ભરેલી બોટ નદીમાં પલટી
મળતી માહિતી અનુસાર, અગિયારસના શુભ દિને પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડમાં રહેતી મહિલા સહિત માછીમારો ચાર બોટ મારફતે નદીમાં પૂજા કરવા ગયા હતા. પૂજા કરી એક બોટ ટર્ન કાપી પરત કિનારે જતી વેળા અચાનક બોટ પાણીમાં ઊંધી વળી ગઈ હતી. બોટ પલટી જતાં અફરાતફરીના માહોલ વચ્ચે બોટમાં સવાર અમુલ પ્રસાદ ગૌતમ, નાનુભાઈ, છગનભાઈ ટંડેલ, રેખાબહેન નાનુભાઈ ટંડેલ, અજય નાનુભાઈ ટંડેલ, ધનુબહેન ભરતભાઈ ટંડેલ અને દોઢ વર્ષીય મોક્ષાર્થ અજય ટંડેલ પાણીમાં ખાબકયા હતા. જો કે, મહિલા સહિતના લોકો તરીને નદી કિનારે પહોંચી ગાય હતા, પરંતુ એક દોઢ વર્ષીય માસૂમ બાળક પાણીમાં ડૂબી ગયો હતો.
નદીમાં ગુમ બાળકને શોધવા કવાયત
ઘટનાને પગલે ગામના સરપંચ, આગેવાનો સહિતના લોકો દોડી પહોંચ્યા હતા અને દુર્ઘટના અંગે જાણ કરતાં પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ચંદ્રપૂરના તરવૈયા અને સ્થાનિક માછીમારો દ્વારા નદીમાં ગુમ બાળકને શોધવા કવાયત હાથ ધરી છે. બાળક પાણીમાં ગુમ થતાં પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.
ઉલ્લેખનીય છે કે, દર અગિયારસના દિવસે માછી સમાજના લોકો દ્વારા કૃષ્ણ ભગવાનની મૂર્તિને નદીમાં આસ્થાપૂર્વક સ્નાન કરાવવા લઈ જવામાં આવે છે.

