વડોદરામાં બાકી વેરો ન ભરનાર સામે VMCની લાલ આંખ, રહેણાંક સાથે કોમર્શિયલ મિલકતો કરાઈ સીલ

વડોદરા મહાનગર પાલિકાના કમિશ્નર દિલીપ રાણાની વેરો ન ભરનાર પર લાલ આંખ કરી છે. રાહેણાંક અને કોમર્શિયલ વેરા નહીં ભરનાર સામે સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે અને તમામને બાકી વેરો 31 માર્ચ સુધી ભરી દેવાનું સૂચન પણ કરવા આવ્યું છે. પાલિકા દ્વારા વેરા વસૂલી માટે ખાસ ટીમો પણ બનાવવામાં આવી છે.
VMC દ્વારા નાણાકીય ટાર્ગેટ પૂરો બન્યું કટિબદ્ધ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્ય કરના 724 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 625 કરોડની વસુલાત થઈ છે. હવે 31 માર્ચ સુધીમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા 20 દિવસમાં હજુ 100 કરોડ આવક હાંસલ કરવાની છે. જેને લઈને બાકી વેરો નહીં ભરવા બદલ કોમર્શિયલ મિલકતો સીલ કરવા અને રહેણાંક મિલકતોનો વેરો બાકી હોય તો પાણીના કનેક્શન કાપવા સુધીની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. જેને લઈને વન ડે વન વોર્ડ મુજબ ખાસ ટીમો મોકલીને વેરા વસૂલાતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં વેરો નહીં ભરનાર લોકોને નોટિસો પણ આપવામાં આવી છે.
બાકી વેરો ભરવા શનિ-રવિ પણ શરૂ રહેશે સરકારી ઓફિસ
બાકી વેરો ભરવામાં સરળતા રહે તે માટે 31 માર્ચ સુધી શનિ-રવિની રજાઓમાં વોર્ડ ઓફિસ બપોર સુધી ચાલુ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા હાલ પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના પણ ચાલુ કરવામાં આવી છે. સાથે જે સરકારી કચેરીઓમાંથી પણ વેરા વસૂલી બાકી છે તેવી સરકારી કચેરીઓને પણ નોટિસો આપવામાં આવી છે અને કડકાઈથી વેરા વસૂલી કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત તંત્ર દ્વારા જે મોટા માથાઓને વેરા વસૂલી માટે નોટિસો આપી હતી પરંતુ વેરો નહીં ભરનાર વેપારી એકમોને પણ સીલ મારવામાં આવી રહ્યા છે. આવા 50 કરતા વધુ એકમોને સીલ મારવામાં આવ્યા છે.
નોટિસની અવગણના કરનાર વેપારીઓ સામે કાર્યવાહી
પાલિકા હવે પોતાનો લક્ષ્યાંક પૂરો કરવા માટે કટિબદ્ધ બન્યું છે જેથી સમયસર વેરો નહીં ભરનાર વેપારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે. પાલિકા દ્વારા આ માટે ખાસ રીવ્યુ બેઠક પણ યોજાવામાં આવી હતી જેમાં વેરા વસૂલી માટે કડક હાથે કામગીરી કરવાની નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ ટેકની મોટી ઉઘરાણી પાલિકા તંત્ર દ્વારા બાકી છે જે અંગે તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી રહી છે પરંતુ આ નોટિસની અવગણના કરતા વેપારીઓ સામે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.

