VIDEO: વડોદરા: દેવ ડેમના 2 ગેટ ખોલાતાં ઢાઢર નદીમાં ઘોડાપૂર! પોરનો નાનો બ્રિજ બંધ, વરણામા પોલીસનો કડક બંદોબસ્ત
પંચમહાલ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે વડોદરા જિલ્લાના જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. દેવ ડેમમાં પાણીની સપાટી વધતાં વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ડેમના 2 ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. જેના પરિણામે ઢાઢર નદીના જળસ્તરમાં ભયજનક વધારો નોંધાયો છે.
સુરક્ષાના ભાગરૂપે વાહનવ્યવહાર રોકાયો
ઢાઢર નદીનું જળસ્તર વધતાં વડોદરાના પોર વિસ્તાર પાસે આવેલો નાનો બ્રિજ સાવચેતીના પગલે વાહનવ્યવહાર અને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. નદીના ધસમસતા પ્રવાહને જોતાં કોઈ અનિચ્છનીય બનાવ કે હોનારત ન સર્જાય તે માટે વરણામા પોલીસ કાફલા દ્વારા બ્રિજ પર સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
ઢાઢર નદીના કાંઠા વિસ્તાર અને નીચાણવાળા ગામોમાં રહેતા રહીશોની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત અને સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચના આપી દેવામાં આવી છે. સમગ્ર સ્થિતિ પર વડોદરા જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

