Video/ Vadodara માં તંત્રના પાપે નિવૃત્ત DySP ના પુત્રનો ભોગ લેવાયો, ઊંડી ગટરમાં ખાબકતાં ગુમાવ્યો જીવ
Vadodara News: વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી અને વહીવટી તંત્રની નિષ્કાળજીને કારણે વધુ એક નિર્દોષ જિંદગી હોમાઈ છે. વડોદરાના જાણીતા માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકવાથી એક આશાસ્પદ યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવક 30 ફૂટ ઊંડી ગટરમાં પટકાયો હતો. મૃતક યુવકની ઓળખ નિવૃત્ત DySP ના પુત્ર તરીકે થતા પોલીસ બેડામાં અને સમગ્ર શહેરમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની વિગતવાર વિગત
વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાછલા કેટલાક સમયથી ડ્રેનેજ અને પાણીની લાઈનની કામગીરી ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાણીની ટાંકી પાસે પાઈપલાઈન નાખવા માટે વિશાળ ખાડા ખોદવામાં આવ્યા હતા અને મોટી પાઈપોનો ખડકલો રસ્તા પર કરી દેવામાં આવ્યો હતો. શનિવારની સાંજે જ્યારે નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર વિપુલસિંહ ઝાલા ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.
માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાણીની ટાંકીની બહાર પાઇપલાઇન નાખવાનું કામ ચાલતું હોવાથી મોટી પાઇપોનો ખડકલો પડ્યો હતો. નજીકમાં લારીઓ પણ હતી અને અંધારું હોવાથી કોર્પોરેશનનું ચેતવણીનું બોર્ડ જોઈ શકાય તેમ ન હતું.
આ વખતે એક યુવક ત્યાંથી પસાર થતો હોવાથી 30 ફૂટ ઊંડી અને ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. જેથી તેની સાથેની મહિલાએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. લગભગ અડધો કલાકની જહેમત બાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ યુવકનું નામ વિપુલસિંહ ઝાલા હોવાનું અને નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
બે દિવસ પહેલા ગીર સોમનાથના તાલાલા-સાસણ રોડ પર તંત્રના પાપે ખુલ્લી રહી ગયેલી ગટરમાં એક 10 વર્ષનું બાળક ચાલતા-ચાલતા પડી ગયું હતું. જોકે, સદનસીબે સ્થાનિકોની સમયસૂચકતાથી બાળકનો આબાદ બચાવ થયો હતો, પણ જો જીવ જતો રહ્યો હોત તો જવાબદાર કોણ?
કમિશનરની સૂચનાને અધિકારીઓએ ધોળીને પી
વડોદરા પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો (FIR) નોંધવાની તજવીજ હાથ ધરી છે. વારંવારની સૂચનાઓ છતાં સુરક્ષામાં રહેલી ખામીને કારણે નિવૃત્ત DySPના પુત્ર વિપુલસિંહ ઝાલાનું મોત નીપજતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી છે.
પરિવાર સાથે જમવા આવ્યો અને કાળ ભરખી ગયો
દુર્ઘટનાની વિગતો હૃદયદ્રાવક છે. શુક્રવારે રાત્રે વિપુલસિંહ ઝાલા પોતાના પરિવાર સાથે માંજલપુર પાણીની ટાંકી પાસે જમવા માટે આવ્યા હતા. પરિવારને જમવા માટે બેસાડ્યા બાદ વિપુલસિંહ વોશરૂમ જવા માટે નીકળ્યા હતા. અંધારામાં ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલી 30 ફૂટ ઊંડી ખુલ્લી ચેમ્બર તેમને દેખાઈ ન હતી અને તેઓ સીધા અંદર ખાબક્યા હતા.
કમિશનર ધૂંવાપૂંવા: 'શેઠની શિખામણ ઝાંપા સુધી'
આ ઘટના બાદ મનપા કમિશનર અરુણ મહેશ બાબુએ આકરા તેવર બતાવ્યા છે. કમિશનરે અગાઉ અનેક મીટિંગો કરીને અધિકારીઓને કામગીરી દરમિયાન પૂરતી સુરક્ષા અને બેરિકેડિંગ રાખવા કડક સૂચના આપી હતી. તેમ છતાં, પાલિકાના અધિકારીઓએ આ સૂચનાઓને ધોળીને પી લીધી હોય તેમ સુરક્ષામાં ગંભીર ચૂક રહી ગઈ હતી. 'શેઠની શિખામણ ઝાંપા સુધી' જેવો ઘાટ સર્જાતા કમિશનરે હવે બેદરકારો સામે લાલ આંખ કરી છે.
કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીના આદેશ
કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે કામગીરીના સ્થળે કોઈ પણ પ્રકારની આડશ કે ચેતવણીના બોર્ડ ન હોવા તે ગુનાહિત બેદરકારી છે. આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓની મિલીભગત કે બેદરકારી સામે પણ આકરા પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.

