VIDEO: એસએસજી હોસ્પિટલમાં દર્દીને સ્ટ્રેચર ન મળ્યું
વડોદરાની એસએસજી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં સ્ટ્રેચર અને સર્વન્ટોની અછતના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સારવાર અર્થે હોસ્પિટલમાં આવેલા એક યુવકને સ્ટ્રેચર ન મળતાં પરિવારજનો તેને ખભે ઊંચકીને લઈ જવા મજબૂર બન્યા હતા. હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધા પૂરી પાડવાની જવાબદારી તંત્રની હોવા છતાં આવી સ્થિતિ સર્જાતા અનેક સવાલો ઊભા થયા છે. એક તરફ સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સુવિધા પૂરી પાડવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તો બીજી તરફ દર્દીઓને સ્ટ્રેચર જેવી પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. એસએસજી હોસ્પિટલમાં વારંવાર સર્જાતી આવી સમસ્યાઓને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. દર્દીઓને પડતી હાલાકી દૂર કરવા તંત્ર ક્યારે પગલાં લેશે તે મોટો સવાલ છે.

