Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Outcry over sudden death of BLO; Woman dies during SIR

Vadodara news: BLO ના ટપોટપ મોતથી હાહાકાર; મહિલાનું SIR ની કામગીરી દરમ્યાન મોત, પાદરામાં BLO ને આવ્યો હાર્ટ એટેક

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Vadodara news: BLO ના ટપોટપ મોતથી હાહાકાર; મહિલાનું SIR ની કામગીરી દરમ્યાન મોત, પાદરામાં BLO ને આવ્યો હાર્ટ એટેક
સોર્સ : GSTV

રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR) ની કામગીરીનો તણાવ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોડીનારમાં શિક્ષકના આત્મહત્યાના પ્રયાસની ઘટના હજુ તાજી છે, ત્યાં તો વડોદરામાં ચૂંટણી કાર્ડની કામગીરી દરમિયાન એક મહિલા સહાયક BLOનું ફરજ પર જ મોત નીપજતા ચકચાર મચી ગઈ છે. જ્યારે પાદરામાં પણ કામ કરતાં BLO ને છાતીમાં દુખાવો ઉપડતા તેમણે તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા છે. 

App Store

ચાલુ ફરજે છાતીમાં દુખાવો ઉપડ્યો અને ઢળી પડ્યા 

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની અને હાલ વડોદરાના ગોરવા સરકારી ક્વાર્ટર્સમાં રહેતા ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી ગોરવા ITIમાં ફરજ બજાવતા હતા. હાલમાં ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરીમાં તેઓ સયાજીગંજ કડક બજાર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં BLO (બૂથ લેવલ ઓફિસર) ના સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

આજે (22 નવેમ્બર)  કામગીરી દરમિયાન અચાનક ઉષાબેનને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા. સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

પતિએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો 

ઉષાબેનના આકસ્મિક નિધનથી તેમના પરિવાર પર આભ ફાટ્યું છે. તેમના પતિ ચંદ્રસિંહ સોલંકીએ આ ઘટના માટે તંત્રને જવાબદાર ઠેરવતા ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ કામના ભારણ અને તણાવને કારણે હાર્ટ એટેક આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ પણ SSG હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

SIRની કામગીરી સામે વધતો આક્રોશ 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં મતદારોના વેરિફિકેશનને લગતી SIRની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો અને કર્મચારીઓ અસહ્ય કામના ભારણ અને દબાણનો સામનો કરી રહ્યા છે. શુક્રવારે જ રાજ્યમાં એક BLOએ કામના ભારણને કારણે આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી, જેના ગણતરીના કલાકોમાં જ વડોદરામાં મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મોત થતાં કર્મચારી આલમમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે.

કોઈ વધારાનું કામ કરાવવામાં આવતું ન હતું

આ મામલે જીલ્લા કલેક્ટરે અનિલ ધામેલીયાએ જણાવ્યું જતું કે ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકીની તબિયત લથડી હતી, જેથી સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કયા છે. તેઓ પહેલા જ બીમાર હતા, જેથી કોઈ વધારાનું કામ કરાવવામાં આવતું ન હતું. ઓફિસના કલાકો દરમિયાન કામગીરી કરાવવામાં આવતી હતી. 

પાદરામાં  BLO ને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો 

પાદરામાં જુલ્ફીકર પઠાણ નામના BLOની તબિયત અચાનક લથડી હતી. તેમણે છાતીના ભાગે દુખાવો થતા વડુ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. કામના તણાવના કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. SIR ની કામગીરીમાં  વધુ પડતું કામ માંગતા હોવાનો આક્ષેપ સાથી કર્મચારીએ કર્યો છે.