VIDEO: વડોદરામાં નજીવી બાબતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રને તિક્ષ્ણ હથિયારના માર્યા ઘા, હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નજીવી બાબતમાં હત્યાની ઘટનાનો વધારો થયો છે, ત્યારે આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. વડોદરામાંથી નજીવી બાબતમાં યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બે યુવાનને તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. આ ઘટનામાં કુખ્યાત બાબરને પણ ઈજા પહોંચી હતી ત્યારે તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના સાંભળીને પૂર્વ કોર્પોરેટરનો પુત્ર પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો.
ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા
ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થિતિમાં યુવાનને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું હતું. આ યુવાનની ઓળખ તપન પરમાર તરીકે થઈ છે, જે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર પુત્ર હતો. તપન પરમારના બે મહિના પછી લગ્ન થવાના હતા. પુત્રના અકાળે મોત બાદ પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો.
આ પણ વાંચો: અમદાવાદ/ ખ્યાતિ હોસ્પિટલની છેલ્લા 4 વર્ષની કાળી કરતૂતોનો પર્દાફાશ, કૌભાંડ કરી કરોડો રૂપિયા ડકાર્યા
સયાજી હોસ્પિટલમાં ભાજપના નેતાઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે સયાજી હોસ્પિટલમાં યુવાનનું સારવારબાદ મોત નિપજ્યું હતું. પ્રાથિમક અહેવાલ પ્રમાણે કુખ્યાત આરોપી બાબર પઠાણનું નામ આ ઘટનામાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ DCP, ACP કક્ષાના અધિકારીઓ સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા. તો બીજી તરફ ભાજપના નેતાઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોઁધીને આગળની તપાસ હાથ ધરી છે.
માથાભારે ગુનેગારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ
સયાજી હોસ્પિટલમાં એક બાજુ ઘવાયેલા બે યુવકોને સારવાર આપવામાં આવી રહી છે, ત્યાં બીજી બાજુ બાબર પઠાણ નામના હુમલાખોરે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારને મોતને ઘાટ ઉતારી દેવાનો કિસ્સો બનતા નાગરવાડા વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો હતો.
તપાસ માટે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા
આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ માટે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પન્નાબેન મોમાયા સમક્ષ સ્થાનિક રહીશોએ સમગ્ર બનાવની જાણકારી આપી હતી. માથાભારે ગુનેગારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી.
'મારા દીકરા પર બાબર પઠાણે તલવારથી હુમલો કરી હત્યા કરી'
ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાએ જણાવ્યું હતું કે, 'નાગરવાડા મેહેતા વાડીમાં ઝઘડો થયો હતો તે બાદ સરકારી સ્કૂલ પાસે ઝઘડો થતા વિક્રમ અને ભયલુને ગંભીર ઈજા થઈ હતી તે બંનેને સારવાર માટે હું અને મારો પુત્ર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. બંનેની સારવાર ચાલુ કર્યા બાદ તેના માતા-પિતાને મળ્યો હતો અને મારા દીકરાને કહ્યું હતું કે આ બંને યુવકની સારવાર થાય તે પછી તું ઘરે આવી જજે તેમ કહી ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન જ અચાનક એક યુવક મને ઘરે બોલાવવા માટે આવ્યો અને સયાજી હોસ્પિટલ પાછા આવવા જણાવ્યું હતું. જેથી હું સયાજી હોસ્પિટલ પહોંચ્યો જ્યાં મને મારા દીકરા પર બાબર પઠાણ નામના યુવકે તલવારથી હુમલો કરીને મારી નાખ્યો હોવાની જાણકારી મળી હતી.
'આરોપી પાસે તલવાર કેવી રીતે આવી'
રમેશ રાજાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, પોલીસની હાજરીમાં બાબર પઠાણને સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ દરમિયાન તેના હાથમાં કઈ રીતે તલવાર આવી તે પણ એક તપાસનો વિષય છે, આ સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદાર ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગણી કરી હતી. આ લઘુમતી કોમના યુવક બાબર પઠાણ માથાભારે વ્યક્તિ છે તેની સામે અનેક ગુનાઓ નોંધાયા છે અને પાસામાં પણ જઈ આવ્યો છે.'

