માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવાર કર્યા જાહેર, આ પૂર્વ મંત્રીને આપી ટિકિટ

ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી છે. જેમાં ભાજપે સતીષ ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપી છે. જ્યારે હવે કોંગ્રેસે 145-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીની પસંદગી કરી છે.
ભાજપે સતીષ પટેલને આપી ટિકિટ
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ગત 9 જુલાઈના રોજ ભાજપે સતીષ ગોવિંદભાઈ પટેલના નામની જાહેરાત કરી હતી. સતીષ પટેલ વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યાં છે.
સેન્સ પ્રક્રિયામાં કુલ 104 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી
શહેરની 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આ બેઠક માટે પાર્ટીમાં કુલ 104 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેના કારણે ઉમેદવાર કોણ બનશે તે અંગે કાર્યકરો અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા હતી. સતીષ પટેલ ભાજપના વરિષ્ઠ અને સંગઠન સાથે લાંબા સમયથી જોડાયેલા કાર્યકર તરીકે ઓળખાય છે. તેઓ વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. ઉપરાંત, વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ એમણે જવાબદારી સંભાળી હતી.
પેટાચૂંટણીનું શિડ્યુલ
ચૂંટણી પંચના જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 14મી જુલાઈએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે, જ્યારે 16મી જુલાઈ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે. ત્યારબાદ ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે અને ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થશે.
નોંધનીય છે કે, માંજલપુર વિધાનસભા બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ અવસાન બાદ બેઠક ખાલી પડી હતી. હવે આ બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની હોવાથી શહેરનું રાજકીય વાતાવરણ ફરી એકવાર ગરમાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મજબૂત ઉમેદવાર મેદાનમાં ઉતારી ભાજપને કાંટાની ટક્કર આપવા માટે વ્યૂહરચના ઘડી રહી છે. ભાજપ બાદ અન્ય પાર્ટીઓના ઉમેદવારોના નામ જાહેર થયા પછી માંજલપુરમાં પ્રચાર અભિયાન પૂરજોશમાં શરૂ થશે અને આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાવાની શક્યતા છે.

