VIDEO: મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણના માત્ર 2 જ મહિનામાં કરોડોનો બ્રિજ ધોવાયો! વડોદરાના આ ઓવરબ્રિજ પર ખાડા પડતાં ખળભળાટ
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં કંડારી નજીક નેશનલ હાઇવે નંબર-48 પર કરોડોના ખર્ચે નિર્માણ પામેલો નવો ઓવરબ્રિજ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. માત્ર બે મહિના પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે બ્રિજ પર પડેલા ખાડાઓને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બ્રિજની ગુણવત્તા અને કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
કરજણ કંડારી નજીક આવેલા નવા ઓવરબ્રિજ પર અનેક સ્થળોએ ખાડાઓ પડી જતાં વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજ પર આટલા ટૂંકા સમયમાં જ ખાડા પડવા ગંભીર બાબત છે. કેટલાક લોકો બ્રિજના નિર્માણમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠાવી રહ્યા છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સ્થાનિક અગ્રણીઓએ પણ સમગ્ર મામલે તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે જો નવી બનેલી જાહેર સુવિધાની આ સ્થિતિ હોય તો નિર્માણ કામગીરીની ગુણવત્તાની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. સરકાર દ્વારા આ કામમાં કોઈ બેદરકારી રહી છે કે નહીં અને નિર્માણ એજન્સીએ ધોરણોનું પાલન કર્યું છે કે નહીં તેની તપાસ જરૂરી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. આ દરમિયાન ઓવરબ્રિજ પર પડેલા ખાડાઓનું પુરાણ કરતા નિર્માણ એજન્સીના કર્મચારીઓ કેમેરામાં કેદ થયા છે. જોકે માત્ર ખાડા પુરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસ નું કહેવું છે કે વરસાદી મોસમમાં આવા ખાડાઓ અકસ્માતનું કારણ બની શકે છે, તેથી માત્ર કામચલાઉ મરામત નહીં પરંતુ સમગ્ર રસ્તાની ગુણવત્તાની તકનીકી તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

