Vadodara news: રેલવે ગરનાળામાં પાણી ભરાતા 3 ગામો સંપર્ક વિહોણા, સ્થાનિકોના રેલ્વે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર
Vadodara news: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા ડભોઇ તાલુકાના ત્રણ ગામોને અસર થઈ છે. દર ચોમાસાની સિઝનમાં સર્જાતી આ સમસ્યાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાલાકી વેઠી રહ્યા છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હાથ નહીં ધરાતા ત્રણ ગામના લોકોએ રેલ્વે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો છે.
લોકોએ રેલ્વે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો
રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા ડભોઇ તાલુકાના અંબાવ, અંબાવ વસાહત અને પુડા ગામ સંપર્ક વિહોણા થયા છે. વરસાદ વરસતામાં ત્રણ ગામોને જોડતા રેલ્વે ગરનાળામાં પાણી ભરાયા સ્થાનિકો સહિત વાહનચાલકોમાં રોષની લાગણી વ્યાપી છે. રેલવે તંત્રએ ડીઝલ મશીન દ્વારા પાણી નિકાલ ની વ્યવસ્થા કરી છે, પરંતુ પુનઃ પાણી ભરાઈ ગયા છે. રેલ્વે તંત્રના નક્કર આયોજનના અભાવે દર ચોમાસાની ઋતુમાં વારંવાર પાણી ભરાઈ જવાની સ્થિતિથી લોકો હેરાન થઈ રહ્યા છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હાથ નહીં ધરાતા ત્રણ ગામના લોકોએ રેલ્વે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો છે.
એમ્બ્યુલન્સ પણ ન આવી શકે તેવી સ્થિતિ સર્જાઇ
શાળાએ જતા બાળકો તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા જતાં લોકો ગરનાળામાંથી પસાર થઈ ન શકતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. આરોગય લક્ષી ઈમરજન્સી ટાણે 108 એમ્બ્યુલન્સ પણ ન આવી શકે તેવી સ્થિતિ સર્જાઇ છે.પાણીના નિકાલનું નકકર આયોજન હાથ ધરાય અથવા ચોમાસાની ઋતુમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાય તેવી આસપાસના ગ્રામજનોની માંગ છે.

