ગોઠવણ પાડો-PMJAYના બિલ પાસ કરાવો, ખ્યાતિ હોસ્પિટલના સંચાલક-સરકારની મિલીભગત!

ખ્યાતિ હોસ્પિટલે સરકારી આરોગ્યલક્ષી યોજના થકી અમીર બનવાની લ્હાયમાં ગરીબ દર્દીઓના જીવ લઈ લીધા. આ ઘટના બાદ રાજ્યમાં આરોગ્યની સેવાઓ શંકાના ઘેરામાં આવી છે. ગરીબ દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. ચર્ચા એ પણ ચાલી રહી છેકે, ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ દર્દીઓની સારવારના નામે લાખો કરોડો રૂપિયા આરોગ્ય વિભાગ પાસેથી ખંખેરી લીધાં. આ વાતથી ખુદ રાજ્ય આરોગ્ય વિભાગ અજાણ હોય તે વાત ગળે ઉતરે તેમ નથી.
આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પણ કસૂરવાર
ખ્યાતિ હોસ્પિટલના માલિક-ડોક્ટરોની સાથે સાથે આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પણ એટલાં જ કસૂરવાર છે. નવાઈની વાત એ છે કે ખ્યાતિ હોસ્પિટલે કેટલાં દર્દીઓની હાર્ટની સર્જરી કરી, આરોગ્ય વિભાગના દાવા આધારે કેટલાં નાણાં ચૂકવ્યા?. ખ્યાતિ હોસ્પિટલની બધીય વિગતો આરોગ્ય વિભાગ પાસે હાજર છે છતાં કોઈ ફોડ પાડવા તૈયાર નથી.
આ પણ વાંચો: અમદાવાદ/ ખ્યાતિ હોસ્પિટલની છેલ્લા 4 વર્ષની કાળી કરતૂતોનો પર્દાફાશ, કૌભાંડ કરી કરોડો રૂપિયા ડકાર્યા
પોલીસ તપાસ કરી રહી છે કે હોસ્પિટલમાં કેટલી સર્જરી થઈ?
હોસ્પિટલના સંચાલકો અને ભ્રષ્ટ આરોગ્ય વિભાગના મેળાપિપણા વિના આ બધુય શક્ય નથી. હવે પોલીસ તપાસ કરી રહી છે કે હોસ્પિટલમાં કેટલી સર્જરી થઈ?. આ જોતાં ટકે શેર ભાજી ટકે શેર ખાજા જેવો ઘાટ સર્જાયો છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પના બહાને ગરીબ દર્દીઓને લાવી બારોબાર સ્ટેન્ટ નાંખવાના કૌભાંડ બાદ રાજ્ય આરોગ્ય વિભાગ પર શંકાની આંગળી ચિંધાઈ છે.
ખ્યાતિ હોસ્પિટલની કરતૂતો
છેલ્લાં કેટલાંય વખતથી હૃદયરોગ ન હોય છતાંય બારોબાર સ્ટેન્ટ નાંખીને સરકાર પાસેથી નાણાં કમાવવા માટે ખ્યાતિ હોસ્પિટલમાં કરતૂતો ચાલી રહ્યાં હતાં તેમ છતાંય આરોગ્ય વિભાગને જાણ થઈ નહીં તે વાત લોકોના ગળે ઉતરતી નથી. પીએમજેવાયએ યોજના હેઠળ હાર્ટ સર્જરીના નામે ખ્યાતિ હોસ્પિટલને લાખો-કરોડો ચૂકવાયાં છે, ત્યારે તેની કોઈ ચકાસણી કરવામાં આવી છે કે નહીં.
આરોગ્ય વિભાગ આ મામલે આંખમિચાણાં કરી રહ્યું છે?
ખ્યાતિ હોસ્પિટલ હાર્ટના દર્દી માટે ગાંધીનગર ઈમેલથી રિક્વેસ્ટ મોકલે ગણતરીની મિનીટોમાં મંજૂરી મળી જાય, જ્યારે અન્ય હોસ્પિટલને મંજૂરી માટે રાહ જોવી પડે છે. આરોગ્ય વિભાગ આ મામલે આંખમિચાણાં કરી રહ્યું છે. એટલુંજ નહીં, હવે પોલીસને તપાસ સોંપાઈ છે કે ખ્યાતિ હોસ્પિટલે કેટલી સર્જરી કરી? સરકારમાંથી કેટલાં નાણાં મેળવ્યાં તેની તપાસ કરો. આરોગ્ય વિભાગ ખ્યાતિ હોસ્પિટલની કરતૂતો જાહેર કરવામાં કેમ પાછી પાની કરી રહ્યું છે.

