Padma Award : ગુજરાતના સુરેશ સોની, પરમાર લવજીભાઈ સહિત 6 મહાનુભાવોને મળ્યો પદ્મશ્રી પુરસ્કાર, જાણો તેમના વિશે

Padma Award 2025 : આજે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારો 2025 માટેના પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ગુજરાતના આ 6 મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે :
- ચંદ્રકાંત શેઠ (મરણોત્તર): સાહિત્ય અને શિક્ષણ
- ચંદ્રકાંત સોમપુરા: અન્ય-સ્થાપત્ય
- પરમાર લવજીભાઈ નાગજીભાઈ : કલા
- રતન કુમાર પરિમૂ: કલા
- સુરેશ હરિલાલ સોની: સામાજિક કાર્ય
- તુષાર દુર્ગેશભાઈ શુક્લા: સાહિત્ય અને શિક્ષણ
ચંદ્રકાંત શેઠ (મરણોત્તર): સાહિત્ય અને શિક્ષણ
જન્મ: 3 ફેબ્રુઆરી 1938, કાલોલ, પંચમહાલ, અવસાન: 2 ઑગસ્ટ 2024 અમદાવાદ
ગુજરાતી કવિ, નિબંધકાર, વાર્તાકાર, કોશકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, હાસ્યકાર, ચરિત્રકાર અને કેળવણીકાર. ઉપનામો : નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ. વતન : ઠાસરા (ખેડા).
પિતા ત્રિકમલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ, ઠાકોરજીમાં-કીર્તનમાં ઓતપ્રોત. ગળથૂથીમાંથી જ કવિને ધાર્મિક સંસ્કાર, કીર્તન-સંગીત મળેલાં. પ્રાથમિક શિક્ષણ હાલોલ અને કણજરીમાં. માધ્યમિક શિક્ષણ હાલોલ અને પછી અમદાવાદમાં. 1954માં મૅટ્રિક. 1958માં ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ., ત્યારબાદ હાલોલ તથા ભરૂચમાં થોડો સમય શિક્ષક. 1961માં ગુજ. યુનિ.માંથી એમ.એ.. ત્યારબાદ વિવિધ કૉલેજોમાં અધ્યાપન.
1963થી 1966 સુધી અને 1972થી 1998માં નિવૃત્ત થયા ત્યાં સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક રહ્યાં.
1979માં ‘ઉમાશંકર જોશી : સર્જક અને વિવેચક’ વિષય પર વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.) કર્યું. 1979થી 1984 સુધી ગૂજરાત વિદ્યાપીઠમાંથી લિયન પર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાય મંદિરના નિયામક રહ્યા.
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યકોશના સહસંપાદક (1980-82) તથા માનાર્હ સંપાદક (1982-84) રહ્યા. રાષ્ટ્રીય વ્યાખ્યાતા (1989-90). ગુજરાતી સાહિત્ય પરિષદનાં સામયિકો‘ભાષાવિમર્શ’ (1984-85) તથા ‘પરબ’ (1988-89)નું સંપાદન. 1998થી 2022 સુધી ‘ગુજરાતી વિશ્વકોશ’ના વિભાગીય સંપાદક, બાળવિશ્વકોશના સંપાદક તરીકે કાર્ય કર્યું.
ચંદ્રકાંત સોમપુરા: સ્થાપત્ય
અમદાવાદનાં શિલ્પકાર ચંદ્રકાન્ત સોમપુરાએ અયોધ્યા મંદિરની ડિઝાઈન તૈયાર કરી છે. 76 વર્ષનાં ચંદ્રકાંત સોમપુરા મુળ ગુજરાતનાં પાલીતાણાનાં છે. તેઓ અત્યાર સુધી હિંદુ, જૈન તથા સ્વામી નારાયણ સંપ્રદાયનાં 100થી વધારે મંદિર બનાવી ચુક્યાં છે. જેમાં ગાંધીનગરનું અક્ષરધામ મંદિર, પાલનપુરનાં અંબા માતાનાં મંદિર તથા બિડલા મંદિર જેવા કેટલાક મંદિરોનો સમાવેશ થાય છે. તેઓ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં મંદિરો બનાવ્યાં છે. તેમના પરિવારમાંથી અગાઉ પ્રભાશંકર ઓધાભાઈ સોમપુરાને પણ પદ્મશ્રી મળ્યો છે. આ પરિવાર ગુજરાતનાં જાણીતા 12 અને દેશમાં 100થી વધું મંદિર બનાવી ચુક્યો છે.
સુરેશ સોની : સાબરકાંઠાનો સહયોગી
સુરેશ સોની વર્ષ 1988માં સાબરકાંઠામાં સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક છે. 36 વર્ષથી વધુ સમય રક્તપિત્ત દર્દીઓ, બૌદ્ધિક રીતે અપંગ અને દિવ્યાંગ-જનની સંભાળ, કલ્યાણ અને પુનર્વસન માટે સમર્પિત - રક્તપિત્તથી પીડિત લોકો માટે 'સહયોગ' નામનું ગામ સ્થાપિત કર્યું અને દિવ્યાંગજન અને બૌદ્ધિક રીતે અપંગોને આશ્રય પણ આપ્યો. સહયોગ ગામ હાલમાં અનેક દર્દીઓનું ઘર છે અને તેમાં ચૂંટણી મથક, પ્રાથમિક શાળા, કરિયાણાની દુકાન જેવી સુવિધાઓ છે. પરિવાર અને સમાજ દ્વારા ત્યજી દેવાયેલા અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને નબળા વર્ગોની સંભાળ રાખવામાં આવે છે.
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી શામળાજી જવાના માર્ગ પર રાજેન્દ્રનગર ચોકડી પાસે સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટનું નાનકડું ગામ જેવું જોવા મળશે. ભારતભરમાંથી આવેલા કુષ્ઠરોગ એટલે કે જેને આપણે રક્તપિત્ત રોગથી જાણીએ છીએ એ રોગના દરદીઓની અહીં સેવા અને સારવાર કરવામાં આવે છે. જોકે અહીં હવે માત્ર કુષ્ઠરોગ જ નહીં; મંદ બુદ્ધિવાળા, HIV દર્દી, ફિઝિકલી હૅન્ડિકૅપ્ડ, પ્રજ્ઞાચક્ષુઓ સહિત જેમનું કોઈ નથી તેમના માટે દરવાજા ખુલ્લા છે. અહીં તેમની દેખભાળ કરવામાં આવે છે જેના કારણે આજે આ 'સહયોગ' ગામમાં નાના-મોટા થઈને 900થી વધુ લોકો રહે છે. કુષ્ઠરોગીઓ અને દિવ્યાંગજનો માટે સુરેશ સોનીએ અને ઇન્દિરા સોનીએ તેમનું જીવન સમર્પિત કરી દીધું છે. એક સમય હતો જ્યારે કુષ્ઠરોગીઓ સામે તિરસ્કારભરી નજરે લોકો જોતા અને તેમની પાસે જવામાં ડર લાગતો. એવા સમયે આ દંપતીએ રક્તપિત્તના દરદીઓ પાસે સામેથી જઈને તેમની સારવાર કરી, પોતાની પાસે રાખીને તેમને આત્મસન્માનિત બનાવ્યા, કામ આપ્યું અને અંધકારભર્યા જીવનમાંથી જીવન જીવવાનો નવેસરથી રસ્તો બતાવ્યો. એના કારણે આજે હજારો કુષ્ઠરોગના દરદીઓ સાજા થયા છે અને આત્મસન્માન સાથે જીવન જીવી રહ્યા છે.

રતન કુમાર પરિમૂ: કલા
રતન કુમાર પરિમુ કાશ્મીરના એક ભારતીય કલા ઇતિહાસકાર છે, જેમણે કલા શિક્ષક, શિક્ષણશાસ્ત્રી, કલાકાર અને અમદાવાદના લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમના ભૂતપૂર્વ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. રતન પરિમુ બરોડા ગ્રુપના સ્થાપક સભ્યોમાંના એક હતા.
તેમણે અજંતા, એલોરા, જૈન, રાજસ્થાની, પહાડી અને મુઘલ ચિત્રો અને રેખાચિત્રો પર લેખો પ્રકાશિત કર્યા છે. તેમણે "આર્ટ ઓફ થ્રી ટાગોર્સ - ફ્રોમ રિવાઇવલ ટુ મોર્ડનિટી" નામનું પુસ્તક લખ્યું છે. તેમણે 23 પુસ્તકો લખ્યા છે અને સંપાદિત કર્યા છે, સાથે તેમના 139 લેખો વિવિધ પત્રિકાઓમાં પ્રકાશિત થયા છે.
પરમાર લવજીભાઈ નાગજીભાઈ : ટાંગલિયાનો તારણહાર
ગુજરાતનાં સુરેન્દ્રનગર જીલ્લાનાં ડાંગસિયા ગામનાં વતની વણકર સમુદાયના પરમાર લવજીભાઈ નાગજીભાઈને પદ્મ શ્રી એનાયત કરાશે. 700 વર્ષ જૂની પરંપરાગત વણાટ તકનીક ટાંગલિયાને સાચવવા અને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીઓમાં તેના અપનાવવા માટે લવજીભાઈએ 4 દાયકાથી વધુ સમય સમર્પિત કર્યો છે. ટાંગલિયા શાલ એ હાથવણાટની, ભૌગોલિક ઓળખ વડે સુરક્ષિત, ગુજરાતની અનુસૂચિત જાતિ ડાંગસિયા વડે બનાવવામાં આવે છે. આ 700 વર્ષ જૂની કળા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની છે. આ જિલ્લામાં રામરાજ, ચારમાલિયા, ધુંસળું અને લોબડી જેવા હાથવણાટના વસ્ત્રો દેદાદરા, વસ્તડી અને વડલા ગામોના સમૂહમાં વણવામાં આવે છે.

તુષાર દુર્ગેશભાઈ શુક્લા: સાહિત્ય અને શિક્ષણ
મૂળ વઢવાણના તુષાર શુક્લનો જન્મ 19 જૂન, 1955ના રોજ થયો છે. અને તેઓ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયા હતા. તુષારભાઈના પિતા દુર્ગેશ શુક્લ પણ જાણીતા સાહિત્યકાર હતા. તુષારભાઈની કવિતાઓના મોટી સંખ્યામાં ચાહકો છે. તુષારભાઈએ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી એમ.એ.નો અભ્યાસ કર્યો છે. તુષારભાઈએ 1979માં આકાશવાણી પર લોકપ્રિય કાર્યક્રમ ‘શાણાભાઇ - શકરાભાઇ‘ના સંચાલનથી કારકિર્દીની શરૂઆત કરી હતી.
તુષાર શુક્લ કવિતાઓની સાથે સાથે અદભૂત સંચાલક પણ છે. અને ગુજરાતી ફિલ્મોમાં સુપરહિટ ગીતો પણ લખી ચૂક્યા છે. ફિલ્મ છેલ્લો દિવસનું 'કહેવું ઘણું ઘણું છે' ફેમસ ગીત તુષારભાઈની કલમમાંથી નીકળ્યું છે. મુશાયરા અને કવિ સંમેલનમાં તુષારભાઈ એવા ખીલી ઉઠે છે કે દાદ આપનારા પણ તેમની અદામાં ખોવાઈ જાય.

