સુરેન્દ્રનગરમાં ખેડૂતો સાથે દગો! 20 લાખનું યુરીયા કૌભાંડ પકડાયું; 12 આરોપી ઝડપાયા

સુરેન્દ્રનગરમાં યુરીયા ખાતર કૌભાંડનું મોટું નેટવર્ક ઝડપાયું છે. સુરેન્દ્રનગરના લખતરના દેવડીયા ગામમાં સબસીડીવાળું યુરિયા ખાતર કોમર્શિયલ થેલીમાં ભરી અને વેચાણ કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સુરેન્દ્રનગર એસ.ઓ.જી દ્વારા દરોડા પાડવામાં આવતા 12 લોકો સામે ગુનો નોંધી 19.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
PI બી.એચ.શીંગરખયીને બાતમી મળી હતી કે લખતરના દેવળીયા ગામમાં ક્રિપાલસિંહ રાણાના ગોડાઉનમાં અજયસિંહ રાણા તથા દિવ્યરાજ સિંહ ઉર્ફ શંભુભાઇ રાણાએ સરકારી સબસીડીવાળુ યુરીયા ખાતર ગેરકાયદેસર લાવી કોમર્શીયલ ઉપયોગ માટે કોથળીમાં પેકિંગ કરી કાળા બજારમાં ફેક્ટરીમાં વેચાણ કરવા મોકલનાર છે.આ બાતમીના આધારે રેઇડ કરતા સબસીડીવાળુ યુરીયા ખાતર ખેડૂતોને આપવાનું હોય તે બીજી કોથળીઓમાં પેકિંગ કરવાની પ્રવૃતિ પકડી પાડવામાં આવી હતી.
બનાવની જગ્યા પરથી સુરેન્દ્રનગર એસ.ઓ.જીએ યુરિયા થેલી નંગ-597 જેની કિંમત (9 લાખ 61 હજાર 480), ખાલી પિળા રંગની સરકારી ખાતરની થેલી નંગ-280 (કિંમત-1400), સીલાઇ મશીન (કિંમત 2000), સફેદ ખાલી કોમર્શીયલ ઉપયોગ માટેની થેલી નંગ-40 (કિંમત-200), ટાટા ટ્રક (કિંમત-10 લાખ), મોબાઇલ ફોન નંગ-3 (કિંમત-15 હજાર) મળી કૂલ 19 લાખ 80 હજાર 80નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

