VIDEO: સુરેન્દ્રનગરના દુધરેજ નજીક સૌની યોજનાની પાઇપલાઇનનો વાલ્વ તૂટતાં 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો, ખેતરોમાં પાણી ફરી વળ્યા
સુરેન્દ્રનગરના દુધરેજ નજીક સૌની યોજનાની પાઇપલાઇનનો વાલ્વ તૂટી જતા પાણીનો મોટાપાયે વેડફાટ થયો હતો. દુધરેજ સંપ નજીક બનેલી આ ઘટનામાં પાઇપલાઇનમાંથી આશરે 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉછળતા જોવા મળ્યા હતા. ચોમાસાની સિઝનમાં જ પાણીના વેડફાટની ઘટના સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
ખેતરોમાં પાણી ફરી વળ્યું
સૌની યોજના અંતર્ગત આવેલી પાઇપલાઇનનો વાલ્વ તૂટતા પાણી આસપાસના ખેતરોમાં પણ ફરી વળ્યું હતું. જેના કારણે કપાસ, મગફળી અને તલ સહિતના પાકનું વાવેતર કરાયેલા ખેતરોમાં પાણી પ્રસરવા લાગ્યું હતું. લાંબા સમય સુધી પાણીનો પ્રવાહ ચાલુ રહેતા ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી હતી.
તંત્રની કામગીરી સામે રોષ
સ્થાનિકોના જણાવ્યા મુજબ પાઇપલાઇનનો વાલ્વ તૂટ્યા બાદ કલાકો સુધી આશરે 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા થતા રહ્યા હતા. તેમ છતાં ઘટનાની જાણ થયા બાદ પણ સંબંધિત અધિકારીઓ સમયસર સ્થળ પર પહોંચ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન એક તરફ અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા અને વરસાદી પાણીના સંચાલનને લઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સૌની યોજનાની પાઇપલાઇનમાંથી મોટા પ્રમાણમાં પાણી વેડફાતા તંત્રની કામગીરી સામે રોષ ફેલાયો છે.
સ્થાનિકો અને ખેડૂતોનો આક્ષેપ છે કે પાઇપલાઇન અને તેના વાલ્વની યોગ્ય જાળવણી કરવામાં આવતી ન હોવાથી આવી ઘટનાઓ વારંવાર સામે આવે છે. પાણીનો બગાડ અટકાવવા તેમજ ખેતરોમાં ભરાયેલા પાણીથી પાકને નુકસાન ન થાય તે માટે તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

