Surendranagarના પ્રખ્યાત વઢવાણી મરચાંને વૈશ્વિક ઓળખ મળશે; GI ટેગ મેળવવા કવાયત શરૂ

ગીરની કેસર કેરી, ભાલિયા ઘઉં અને પાટણના પટોળા બાદ હવે કાઠિયાવાડી ભોજન અને અથાણાંની શાન ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના પ્રખ્યાત 'વઢવાણી મરચાં'ને જીઆઈ ટેગ (Geographical Indication) મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વઢવાણ APMC દ્વારા ‘Wadhwani Marcha of Gujarat’ નામે GI ટેગ મેળવવા માટે તાજેતરમાં જ અરજી કરવામાં આવી છે.
28મી સપ્ટેમ્બરે થઈ અરજી કરાઈ હતી
ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડિયા (IP India)ની સત્તાવાર GI રજિસ્ટ્રીમાં વઢવાણ APMC દ્વારા 28મી સપ્ટેમ્બર, 2026ના રોજ અરજી દાખલ કરવામાં આવી છે, જેની અરજી સંખ્યા 2173 તરીકે નોંધાઈ છે. આ અરજી સ્વીકારાયા બાદ હવે દસ્તાવેજોની ચકાસણી અને આગળની કાનૂની તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો આ અરજી મંજૂર થશે તો ‘વઢવાણી મરચાં’ નામને ભૌગોલિક ઓળખ તરીકે મજબૂત કાનૂની સુરક્ષા મળશે અને તેના નામે થતી નકલી ઉત્પાદનોની બિક્રી અટકશે.
વઢવાણી મરચાંનું મહત્ત્વ અને સ્વાદની દુનિયામાં ઓળખ
વઢવાણ અને સમગ્ર ઝાલાવાડ વિસ્તારમાં મરચાંની ખેતી અને તેના વિવિધ ઉપયોગોની લાંબી પરંપરા છે. ખાસ કરીને વઢવાણી મરચાંનું અથાણું અને ભરેલાં મરચાં ગુજરાતની સ્થાનિક ખાણીપીણી સાથે જોડાયેલી ઓળખ બની ચૂક્યાં છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારમાં વઢવાણી મરચાં અને તેના અથાણાંની વિશેષ માંગ રહે છે.
શું છે GI ટેગ?
જીઆઈ ટેગ (Geographical Indication) એ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં પેદા થતી અનોખી વસ્તુ કે કૃષિ પેદાશને તેની ગુણવત્તા અને સ્વાદની પ્રામાણિકતા માટે આપવામાં આવતી સત્તાવાર ઓળખ છે. આ માર્ક એ વાતની ગેરંટી આપે છે કે પ્રોડક્ટ અસલી છે.
રાજ્યની 28 થી વધુ પેદાશો પાસે છે GI ટેગ
રાજ્યમાં અત્યાર સુધીમાં ગીરની કેસર કેરી, ભાલિયા ઘઉં, કચ્છી ખારેક, નવસારી અમલસાડ ચીકુ, ઊંઝાનું જીરું અને વરિયાળી જેવા કૃષિ ઉત્પાદનો ઉપરાંત પાટણના પટોળા, ટાંગલિયા સાડી, રાજકોટી પટોળા, કચ્છ એમ્બ્રોઈડરી અને કચ્છી શાલ સહિત 28થી વધુ ઉત્પાદનોને GI ટેગ મળી ચૂક્યો છે. હવે વઢવાણી મરચાં પણ આ યાદીમાં જોડાવા માટે સજ્જ બન્યા છે.

