VIDEO: સુરેન્દ્રનગરના સાયલામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ, 2.79 કરોડનો ગાંજાનો જથ્થો SOGની ઝપટે
સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમને નશાકારક પદાર્થ ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે. જેમાં સાયલા તાલુકાના ખીટલા ગામેની સીમમાંથી લીલા ગાંજાની ખેતી ઝડપી પાડી છે. વાડીમાં વાવેતર કરેલો 559 કિલો વજનના લીલા ગાંજાના છોડવા સહિત 2.79 કરોડનો મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર એસ.ઓ.જી ટીમને સાયલા તાલુકાના ખીટલા ગામે વાડી વિસ્તારમાં લીલા ગાંજાની ખેતી કરી હોવાની બાતમીને આધારે પીઆઇ ભાવેશભાઈ સિંગરખીયા, પીએસઆઇ આર.જે.ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા સાયલાના ખીટલા ગામે આવેલી પામર તરીકે ઓળખાતી સીમમાં વાડીમાં દરોડા પાડ્યા હતા.
લીલા ગાંજાની ખેતી હોવાનું સામે આવ્યું છે.
આ વાડીમાં કપાસના વાવેતરની આડમાં લીલા ગાંજાની ખેતી હોવાનું સામે આવતા એસ.ઓ.જી ટીમ દ્વારા લીલા ગાંજાના છોડ 180 નંગ વજન 559 કિલો ગ્રામ જેની કિંમત 2,79,85,000 રૂપિયાના જપ્ત કરી આ લીલા ગાંજાની ખેતી કરનાર રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભુપતભાઈ ખવડ (રહે- ખીટલા ગામ)ને ઝડપી પાડી ધજાળા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
કુલ 2 કરોડ 79 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે 180 છોડ અને 559 કિલો લીલો ગાંજો મળી કુલ 2 કરોડ 79 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.દોઢ દિવસની કાર્યવાહી બાદ આરોપી રાજેશ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે..સ્થાનિક પોલીસને આટલું મોટું વાવેતર દેખાયું નહિ તેવી અટકળોએ જોર પકડ્યું છે.

