Surendranagar news: ભરચોમાસે 4 હજારથી વધુ લોકોને પીવાના પાણી માટે વલખા, મહિલાઓનો થાળી-વેલણ વગાડી વિરોધ

Surendranagar news: સુરેન્દ્રનગરના મૂળચંદ ગામમાં મહાનગરપાલિકા દ્વારા 30 દિવસથી પીવાનું પાણી પૂરું ન પડાતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યારથી મૂળચંદ ગામ મનપામાં ભળ્યું છે, ત્યારથી પ્રાથમિક સુવિધાઓ આપવામાં ગામ સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે. જો આ સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
પીવાનું પાણી નહિ મળે તો આંદોલનની ચીમકી
તાજેતરમાં સુરેન્દ્રનગર પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, આ સાથે આસપાસના અનેક ગામોને મનપામાં ભેળવી દેવાયા છે. મૂળચંદ ગામને પણ મનપામાં ભેળવી દેવાયા બાદ ત્યાં મનપા તંત્ર પ્રાથમિક સુવિધા આપતું ન હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાયું છે. ગામમાં મહાનગરપાલિકા દ્વારા 30 દિવસથી પીવાનું પાણી પૂરું ન પડાતા મહિલાઓએ થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો હતો. લોકો ગામના તળાવમાંથી પીવાનું પાણી ભરવા મજબૂર બન્યા છે. 4 હજારથી વધુ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, જેથી, તાત્કાલિક પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ લોકો કરી રહયા છે. જો પીવાનું પાણી નહિ મળે તો ગ્રામજનોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

