Video/ Surendranagar માં 1300થી વધુ આંગણવાડી વર્કરનો ઓનલાઈન કામગીરી વિરુદ્ધ વિરોધ, 16 માર્ચથી હડતાળની ચીમકી
Surendranagar જિલ્લામાં આંગણવાડી કાર્યકરોએ ઓનલાઈન કામગીરીને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જિલ્લાના 1300થી વધુ આંગણવાડી વર્કરોએ એકત્રિત થઈ પોતાની માંગણીઓ રજૂ કરી અને 16 માર્ચથી તમામ આંગણવાડીઓને તાળા મારી હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે.
કાર્યકરોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા ઓનલાઈન કામગીરી કરાવવા સૂચના આપવામાં આવી રહી છે, પરંતુ તેમને મોબાઈલ ફોન અથવા જરૂરી ટેકનિકલ સાધનો આપવામાં આવ્યા નથી. સાધનો વિના ઓનલાઈન ડેટા એન્ટ્રી અને એપ્લિકેશન આધારિત કામગીરી કરવી મુશ્કેલ બનતી હોવાનું તેમણે જણાવ્યું.
આંગણવાડી કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ ઓનલાઈન બાળકોના વજનની એન્ટ્રી, FRS અને MMY વિતરણ સંબંધિત ઓનલાઈન કામગીરી નહીં કરે તેમજ AVTમાં ફોટા અપલોડ કરવાની પ્રક્રિયા પણ બંધ રાખશે.
આંગણવાડી વર્કર ચાવડા પ્રીતિબેને જણાવ્યું હતું કે યોગ્ય સુવિધા વિના વધારાની ઓનલાઈન જવાબદારી લાદવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. કાર્યકર ઝુંબેદા મેમણ અને હંસાબેન ટાંકે પણ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે સુવિધા આપવામાં આવે અથવા ઓનલાઈન કામગીરી બંધ કરવામાં આવે.
બીજી તરફ, પ્રોજેક્ટ ઓફિસર ICDS સુરેન્દ્રનગર ભવાના ઝીડિયાએ જણાવ્યું હતું કે કાર્યકરો સાથે ચર્ચા ચાલી રહી છે અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
હાલ જિલ્લામાં આ મુદ્દે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. જો 16 માર્ચ પહેલા ઉકેલ નહીં આવે તો જિલ્લામાં આંગણવાડી સેવાઓ પર તેની સીધી અસર પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

