Surendranagar news: ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની ખાતરી અપાતાં આખરે પરિજનોએ સ્વીકાર્યો મૃતદેહ

સુરેન્દ્રનગર જિલ્લાના ખાખરાળા ગામે ગેરકાયદે ચાલતા ખનીજ ખનનની કામગીરીમાં એક યુવકનું ખાણમાં પડી જવાથી મોત નીપજ્યું હતું. ભારે જહેમત બાદ ઘટનાના 40 કલાક પછી યુવકનો મૃતદેહ કાઢવામાં સફળતા મળી છે. જો કે આ મામલે ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી ન કરાતા મૃતકના પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જો કે તંત્રની સમજાવટ બાદ અને ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની ખાતરી અપાતાં આખરે પરિજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે.
શું હતી ઘટના?
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સ્થળોએ ગેરકાયદે ખનીજ ચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે જિલ્લાના ખાખરાળા ગામે એક યુવકનું ગેરકાયદે ચાલતી ખનીજ ખનનની કામગીરીમાં ખાણમાં પડી જવાથી મોત નીપજ્યું હતું. લગભગ બે દિવસની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડને મૃતદેહ કાઢવામાં સફળતા મળી હતી અને મૃતદેહને પીએમ અર્થે મુળી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
યુવકના અકાળે મોતથી પત્ની સહિત પરિવારજનોનું હૈયાફાટ રુદન
જો કે ઘટનાને બે દિવસ થયા હોવા છતાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી ન કરાતા મૃતકના પરિવારજનોમાં રોષની લાગણી ફેલાઈ છે અને જ્યાં સુધી ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી ન કરાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જો કે તંત્રની સમજાવટ બાદ અને ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની ખાતરી અપાતાં આખરે પરિજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે. મૃતક યુવકના 8 મહિના પહેલા જ લગ્ન થયા હતા. યુવકના અકાળે મોતથી પત્ની સહિત પરિવારજનોના માથે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

