સુરેન્દ્રનગર : મુળીના ખાટડીમાં ગૌચર જમીનો પર ભુમાફીયાઓનો કબજો, માલધારીઓ પર તલવારથી કર્યો હુમલો

સુરેન્દ્રનગરમાં હવે ગૌચર જમીનો પર પણ ભુમાફીયાઓએ કબજો કરી લીધો છે. આ ભુમાફીયાઓ વિરુદ્ધ રજૂઆત કરનારા ગૌચર જમીનો પર ગાયો અને માલઢોર ચારતા માલધારીઓ પર ભુમાફિયાઓએ હુમલો કર્યો, આ સમગ્ર ઘટનામાં 4 ભુમાફીયાઓ સામે મુળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ભુમાફિયાઓએ માલધારીઓ પર તલવાર અને ધોકાથી હુમલો કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ખાટડી ગામે ખનિજ ભરેલ ડમ્પરો ગૌચર જમીનો પર ચાલતા નુકસાન થતા હોવાની માલધારીઓએ રજુઆત કરી હતી. આ મામલે ભુમાફિયાઓએ માલઢોર ચરાવતા માલધારીઓ ભુરાભાઈ કાળાભાઈ મોરી, વહાણભાઈ ધનજીભાઈ દેકાવાડીયા અને વિહાભાઈ ઘૂઘાભાઈ ખામ્ભલા પર તલવાર અને ધોકાથી હુમલો કર્યો હતો તેમજ મારી નખવાની ધમકી આપી અભદ્ર શબ્દો કહ્યાં હતા.
ચાર ભુમાફિયાઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
ભુમાફિયાઓએ હુમલો કરતા આ ત્રણેય માલધારીઓ ત્યાંથી જીવ બચાવીને નીકળી ગયા હતા અને મુળી પોલીસ સ્ટેશને આવી ખાટડી ગામના યુવરાજસિંહ હરિશ્ચંદ્રસિંહ ઝાલા, રવિરાજસિંહ રામદેવસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઉર્ફે મુન્નાભાઈ અખુભા ઝાલા અને હિતેન્દ્રસિંહ મનહરસિંહ ઝાલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનાગરમાં ભુમાફિયાઓ અને ગૌચર માફિયાઓ પર લગામ ક્યારે?
ગૌચર જમીન પર મારઢોલ ચરાવતા માલધારીઓ પર હથિયારો સાથે ભૂમાફિયાઓએ હુમલો કરતા તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું, જો કે માલધારીઓ ત્યાંથી નીકળી જવામાં સફળ થયા હતા. પણ આ સમગ્ર ઘટનાક્રમ અંગે ભુમાફિયાઓ અને ગૌચર માફિયાઓ પર લગામ ક્યારે લાગશે તે એક સળગતો સવાલ છે.

