Surendranagar news: સુરેન્દ્રનગરના રહેવાસી અને હાલ વિદેશમાં રહેતા પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક અંજીરની ખેતી કરી

Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામના રહીશ ચિંતનભાઈ રાવલ હાલ વિદેશમાં રહે છે. પણ વતન પ્રેમ અને ખેતી પ્રત્યે લગાવ ધરાવે છે ખેડૂત ચિંતનભાઈ રાવલ પોતે વારસાગત ખેતી કરતા પરિવારમાંથી આવે છે. અંજીરની પ્રાકૃતિક ખેતી કરતા ચિંતનભાઈ પ્રકાશભાઈ રાવલ છેલ્લા દસ વર્ષથી યુએસએ રહે છે અને કન્સલ્ટિંગનું કામ કરે છે. ખેડૂત પરિવારમાંથી આવતા ચિંતનભાઈએ વિદેશોમાં પાકૃતિક ખેતીની અવનવી રીતો જોઈ હતી. ત્યારે હાલ વતન કટુડામાં ફાર્મ બનાવી વિદેશી પધ્ધતિથી તેઓએ અંજીરની ખેતીની શરૂઆત કરી છે. જેમાં તેઓ ઈઝરાઈલથી રોપા લાવ્યા હતા.
પોતાની નર્સરીમાં રોપા ઉછેર કરી છ માસ પહેલા પોતાની 40 વીઘા જમીનમાં આઠ હજારથી વધુ રોપાનું વાવેતર કર્યું છે. હજુ આ વાવેતરને છ માસ જ થયા છે ત્યાં દૈનિક 100 કિલોનો ઉતારો આવે છે. આ અંગે ચિંતનભાઈએ જણાવ્યુ કે, અંજીરની પ્રાકૃતિક ખેતીમાં ઉતારો વર્ષમાં 10 માસ આવે છે. આગામી એક વર્ષ પછી દૈનિક પાંચસો કિલોનો ઉતારો આવશે. હાલ અહીં ઉત્પાદિત થતા અંજીર વિદેશમાં મોકલાય છે. જેમાં પ્રતિ કિલો પાંચસો રૂપિયાનો ભાવ મળે છે. અંજીરની પ્રાકૃતિક ખેતીમાં વિશેષતા એ છે કે, વાવેતર કરાયેલા આઠ હજાર રોપાને દૈનિક એક સાથે સરખું પાણી, સરખું ન્યુટ્રીશન અપાય છે. જિલ્લાના અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી તેમની ઈચ્છા રહેલી છે. ચિંતનભાઈ પોતે ઓર્ગેનિક અંજીરની ખેતી કરી ને અન્ય લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે તેમના ફાર્મ પર કામ કરતા 10થી વધુ લોકો રોજગારી મેળવી રહ્યાં છે.

