સુરેન્દ્રનગર : રતનપરમાં 14 વર્ષીય બાળકી ગુમ, 15 દિવસ પહેલા ફરિયાદ છતાં પોલીસ નિષ્ક્રીય

Surendranagar News : સુરેન્દ્રનગરના સાયલામાંથી ગત ઓક્ટોબર મહિનામાં 7 વર્ષની એક બાળકી ગુમ થઈ હતી, જે 4 દિવસ બાદ રાજકોટમાંથી હેમખેમ મળી આવી હતી. હવે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તાર માંથી 14 વર્ષીય બાળકી ગુમ થયાની ઘટના ઘટી છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આ બાળકી ગુમ થયાની તેના પરિવારજનોએ 15 દિવસ પહેલા ફરિયાદ લખાવી હોવા છતાં પોલીસે બાળકીને શોધવા કોઈ કાર્યવાહી નથી કરી.
પરિવારે 15 દિવસ પહેલા લખાવી હતી ફરિયાદ
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાંથી રતનપર શાળા નંબર - 1 નજીકથી તન્વી નામની 14 વર્ષીય બાળકી ગુમ થઈ હતી. બાળકી ઘરે પરત ન ફરતા બાળકીના પરિવારજનોએ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં 15 દિવસ પહેલા ફરિયાદ લખાવી હતી. બાળકી ગુમ થયાના 15 દિવસ થવા છતાં પોલીસે આ ઘટનામાં કોઈ કાર્યવાહી કરી નથી.
રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં પોકળ સાબિત થયા છે. હવે તો ઘરમાં રહેલી નાની બાળાઓ પણ સુરક્ષિત ન હોવાનો ઘાટ સર્જાયો છે. સુરેન્દ્રનગરના રતનપરમાંથી આ બાળકીને કોણ ઉઠાવી ગયું તે પોલીસ અને પરિવાર માટે સળગતો સવાલ છે. આ બાળકીને જલ્દી શોધી કાઢવા પરિવારજનોએ પોલીસ સમક્ષ માંગ કરી છે.

