એક્ઝિટ પોલ ગમે તે કહે, સરકાર ઈન્ડિયા ગઠબંધનની બનશે-સુરતમાં કોંગી નેતા અમિત ચાવડાનું નિવેદન

આવતીકાલે લોકસભા 2024ના પરિણામ જાહેર થવાના છે. 7 તબક્કામાં યોજાયેલી ચૂંટણીના પરિણામ પર દેશ દુનિયાની નજર છે. ત્યારે આવતીકાલે કોની સરકાર બનશે તેને લઈને સૌ કોઈમાં ઉત્તેજના જોવા મળી રહી છે. ત્યારે સુરતની મુલાકાતે આવેલા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. આ પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે.
ફીલ ગૂડ ફેક્ટરની જેમ ચોંકાવનારા પરિણામ આવશે
ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને લોકોએ સારો આવકાર આપ્યો છે તેમ કહેતા ચાવડાએ ઉમેર્યું કે, દેશમાં ચોથી જૂને બધાને ખ્યાલ આવી જશે. એક્ઝિટ પોલ ગમે તે કહેતા હોય પરંતુ ચોથી તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જેમ ફીલ ગૂડ ફેક્ટરનો ફુગ્ગો ફૂટી ગયો હતો. તે જ રીતે મોદી સરકાર સામે જે રીતે લોકોમાં રોષ છે તે આવતીકાલે દેખાય જશે.
પરિવર્તન થવા જઈ રહ્યું છે
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, આખા દેશમાં આ વખતની ચૂંટણી લોકો લડ્યા છે રાજકીય પક્ષ નથી. મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે. બંધારણ બચાવવા, દેશ બચાવવા લોકો લડ્યા છે અને મતદાન કર્યું છે. એક્ઝિટ પોલમાં જે બતાવાતું હોય તે પરંતુ પાયાની હકીકત જુદી છે. સરકાર સામેની નારાજગી મતમાં પરિવર્તિત થઈ છે. ન ધારેલા પરિણામ આવવાના છે. 2004ની જેમ 2024માં પણ પ્રજા આ વખતે ઈન્ડિયા ગઠબંધનવાળી સરકાર બનાવવા જઈ રહ્યાં છે. 2004માં 12 બેઠકો કોંગ્રેસે ગુજરાતમાં મેળવી હતી. ત્યારે આ વખતે પણ સારી એવી બેઠકો પર ઈન્ડિયા ગઠબંધન જીતવાનું છે. આ પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થવાની છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

