Video: Surat જિલ્લામાં પેપરમિલમાં ભીષણ આગ, લાખોનું નુકસાન
સુરત જિલ્લામાં ફરી એકવાર આગની મોટી ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના હથોડા ગામે આવેલી જેબી ગ્રાફ પેપરમિલમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં મિલના માલિકને મોટું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પેપરમિલમાં રાખવામાં આવેલા વેસ્ટ, લો મટિરિયલ અને તૈયાર પેપરમાં આગ લાગી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક ધોરણે બારડોલી, કામરેજ, સુમીલોન અને પાનોલી સહિતની ફાયર ટીમોને બોલાવવામાં આવી હતી. ફાયર ઓફિસર પી.બી. ગઢવીની આગેવાની હેઠળની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે અને તેની તપાસ ચાલુ છે.
ચિંતાની વાત એ છે કે, આ જ કંપનીમાં બે વર્ષ અગાઉ પણ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં પણ કંપની માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. એક જ સ્થળે વારંવાર આગની ઘટનાઓ બનતા સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. મોડી રાતની આ ઘટનાને કારણે કંપની માલિકને ફરી એકવાર મોટું આર્થિક નુકસાન થયું છે.

