સુરત/ અકસ્માત સર્જનાર ડ્રાઈવરના બચાવમાં આવ્યું યુનિયન, વાહનો થંભાવી કર્યા દેખાવ

સુરતના કતારગામ વિસ્તારમાં ડમ્પરની અડફેટે ગતરોજ એક મહિલાનું મોત નીપજ્યું હતું. જેથી લોકોએ અકસ્માત બાદ ડમ્પરના ચાલકને માર મારી પોલીસ હવાલે કર્યો હતો. જેથી અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલકના બચાવમાં પાલિકાના 9 સંયુક્ત યુનિયન તરફથી કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓએ વાહનો થંભાવી દઈને દેખાવો યોજ્યાં હતાં.
ગાયત્રી ડેપો વસ્તાદેવડી કતારગામ ઝોન ખાતે સુરત મહાનગરપાલિકામાં કાર્યરત 9 સંયુક્ત યુનિયન તરફથી કાર્યક્રમનું એલાન આપવામાં આવ્યું છે. જે મુજબ ગાયત્રી વાહન ડેપો ખાતેથી આરોગ્ય ખાતુ, લોકસેવા વિભાગ તથા ડ્રેનેજ વિભાગના કોઈપણ વાહનો ડેપોમાંથી બહાર કાઢવામાં આવ્યા નથી. સાથે જ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
યુનિયન વતી મોહમ્મદ ઈકબાલ શેખએ કહ્યું કે, કિરણ હોસ્પિટલ પાસે જે બનાવ બન્યો અકસ્માતનો તેમાં પાલિકાના ડ્રાઈવરને ખૂબ માર મારવામાં આવ્યો હતો. જે બાબતે જવાબદારો સામે પગલાં લેવા તેમજ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને રક્ષણ આપવાની માગ સાથે દેખાવો યોજવામાં આવ્યાં છે.

