કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન કામગીરીનું કર્યુ નિરીક્ષણ, કિમમાં ટ્રેક સ્લેબ ફેક્ટરીની લીધી મુલાકાત

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માંગરોળ તાલુકાના કિમ ખાતે બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. ૧૯ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલી સ્લેબ ફેક્ટરીમાં થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર વિવેક ગુપ્તાએ કેન્દ્રીય રેલવે મંત્રીને ફેક્ટરીની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કરાયા હતા.
જાપાનની ટેક્નિકનો ઉપયોગ
રેલવે મંત્રીએ કહ્યું કે, બુલેટ ટ્રેનમાં ટ્રેક સ્લેબ મહત્વનું કોમ્પોનન્ટ હોય છે. જેના પર ટ્રેનના પાટા ફીટ થતા હોય છે. આ સ્લેબ જાપાનીઝ ટેકનોલોજીથી ખૂબ ચીવટથી બનાવવામાં આવે છે. કિમમાં આવેલી ટ્રેક સ્લેબ ફેક્ટરીમાં સ્લેબ બનાવવાનું કામ પૂરજોશમાં થઈ રહ્યું છે. આ ફેક્ટરી દુનિયાની સૌથી મોટી ટ્રેક સ્લેબ ફેક્ટરીઓમાંની એક છે. અહીં જાપાનની અદ્યતન શિંકનસેન ટેક્નિકનો ઉપયોગ કરીને ઉચ્ચ ક્ષમતાવાળા બેલાસ્ટલેસ ટ્રેક સ્લેબ બની રહ્યા છે.
ફેક્ટરીમાં ૧૨૦ સ્લેબ તૈયાર થાય છે
પ્રી-કાસ્ટ રિઈન્ફોર્સ્ડ કોંક્રિટ ટ્રેક સ્લેબ સામાન્ય રીતે ૨૨૦૦ મિમી પહોળા, ૪૯૦૦ મિમી લાંબા અને ૧૯૦ મિમી જાડા હોય છે, અને દરેક સ્લેબનું વજન લગભગ ૩.૯ ટન હોય છે. અહીં દરરોજ ૧૨૦ સ્લેબ તૈયાર થાય છે. કુલ લક્ષ્યાંક ૯૬ હજાર સ્લેબ તૈયાર કરવાનો છે. જેનાથી મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર અને દાદરાનગર હવેલી (૩૫૨ કિમી) માટે ૨૩૭ કિલોમીટરના હાઈ સ્પીડ રેલ ટ્રેક માટે ટ્રેક સ્લેબ તૈયાર થશે

