સુરત/ લોનના હપ્તા ન ભરી શકતા બે સગા રત્નકલાકાર ભાઈઓએ એક સાથે જિંદગી ટૂંકાવી

સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હીરાની ઘેરી બનતી મંદી રત્નકલાકારોનો ભોગ લઈ રહી છે. જેમાં બે રત્નકલાકાર એવા સગા ભાઈઓએ એક સાથે અનાજમાં નાખવાની ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અમરોલી વિસ્તારમાં રહેતા ભાઈઓએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. સમગ્ર ઘટનાની અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.
અમરોલી વિસ્તારમાં રહેતા હિરેન ચંદુભાઈ સુતરિયા (ઉ.વ.આ. 32) અને તેમના મોટાભાઈ પરીક્ષીત ચંદુભાઈ સુતરિયા(ઉ.વ.34)ના છેલ્લા ઘણા દિવસોથી માનસિક તણાવ અનુભવી રહ્યાં હતાં. હીરાની મંદીના કારણે લોનના હપ્તા ભરી શકાતા નહોતા. જેના પગલે બન્નેએ અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો હતો.
ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની જાણ થતાં જ બન્ને ભાઈઓને સૌ પ્રથમ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમનું ત્યાં જ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બન્ને ભાઈઓના મોતને લઈને પરિવાર સ્તબ્ધ બની ગયું છે. હાલ અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

