Suratમાં પાલિકાની બેધારી નીતિ; લોકોને દંડ ફટકારતી પાલિકાના રિઝર્વ પ્લોટમાં મચ્છરોનું સામ્રાજ્ય

સુરત શહેરમાં મચ્છરજન્ય રોગ સામે પાલિકા દ્વારા ઝુંબેશ તેજ કરવામાં આવી છે. ઘર, ઓફિસ અને સંસ્થાઓમાં મચ્છર પેદા થાય તેવી સ્થિતિ જોવા મળે તો નોટિસ આપવા સાથે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જોકે, લોકોને મચ્છરજન્ય સ્થિતિ માટે દંડ કરતી પાલિકાના જ રિઝર્વ પ્લોટમાં પાણી ભરાઈ તળાવ જેવી સ્થિતિ સર્જાતા તંત્રની કામગીરી સામે સવાલ ઊઠ્યા છે.
શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ અને દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવે છે. સાથે જ રહેણાંક અને વ્યાપારી મિલકતોમાં પાણી ભરાયેલું મળી આવે અથવા મચ્છરના પોરા જોવા મળે તો જવાબદાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. આ સ્થિતિ વચ્ચે રાંદેર ઝોનના પાલ વિસ્તારમાં ગૌરવ પથ રોડ પર આવેલા પાલિકાના રિઝર્વ પ્લોટમાં જ પાણી ભરાયેલું હોવાની ફરિયાદ સામે આવી છે. પ્લોટમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં તળાવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાણીનો નિકાલ નહીં થતાં તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. એટલું જ નહીં, ભરાયેલા પાણીમાંથી દુર્ગંધ પણ આવતી હોવાની ફરિયાદ છે.પાલિકાની મચ્છર વિરોધી ઝુંબેશમાં ખાનગી મિલકતોમાં મચ્છર પેદા થાય તેવી સ્થિતિ માટે દંડ કરવામાં આવે છે, ત્યારે પાલિકાની માલિકીના પ્લોટમાં જ પાણી ભરાઈ રહે અને તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થાય તે બાબત ચર્ચાનો વિષય બની છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પ્લોટમાં ભરાયેલું પાણી લાંબા સમય સુધી રહે તો મચ્છરોના ઉપદ્રવમાં વધારો થઈ શકે છે અને આસપાસના રહેવાસીઓમાં આરોગ્ય અંગે ચિંતા ઊભી થઈ શકે છે.સ્થાનિકોએ પાલિકા તંત્રને સ્થળ પર તપાસ કરાવી પ્લોટમાં ભરાયેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરાવવા અને મચ્છરજન્ય સ્થિતિ દૂર કરવા માંગ કરી છે. લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરતી પાલિકા પોતાના જ પ્લોટમાં ઊભી થયેલી સ્થિતિ સામે પણ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

