VIDEO: Suratમાં જ્વેલર્સને લૂંટી હત્યા કરનારા ઝડપાયા, બિહારથી ઝડપાયેલા બે પાસેથી 10 લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે
સુરતના સચિન વિસ્તારમાં 7 જુલાઈએ થયેલી લૂંટ અને હત્યાની ઘટનામાં મહત્વની સફળતા મળી છે. શહેરના જ્વેલર્સ પર બનેલી આ લૂંટકાંડમાં ભાગતા ફરતા ત્રણ આરોપીઓમાંથી બેને સુરત પોલીસે બિહારમાંથી ઝડપી પાડ્યા છે.સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા મુજબ, ઘટનાના તત્કાલ બાદ જ એક આરોપી દિપક પાસવાનને ઝડપવામાં આવ્યો હતો. દિપક કડોદરા વિસ્તારનો રહેવાસી છે અને ઘટના પહેલા એક મહિના સુધી આ વિસ્તારમાં રેકી કરીને જાણકારી એકત્ર કરી હતી. ત્યારબાદ તેણે બિહારના હાજીપુરથી પોતાના સાગરીતોને બોલાવ્યા અને તેમની સાથે મળીને લૂંટકાંડને અંજામ આપ્યો.
બિહારથી ઝડપાયેલા આરોપીઓ
પોલીસની ત્રણ ટીમો બિહાર મોકલવામાં આવી હતી, જ્યાંથી સંજય ચંદ્રદેવ અને અવિનાશ નામના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. બંને અલગ અલગ સ્થળોએ છૂપાઈ રહ્યા હતા. પોલીસે બિહાર પોલીસની મદદથી ઘર કોર્ડન કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
મોટો ગુનાખોરી ઇતિહાસ
ચંદ્રદેવ સામે બિહારમાં 5 ગુના નોંધાયેલા છે.
દિપક પાસવાન સામે 7 ગુના છે.
વોન્ટેડ આરોપી પિન્ટુ પાસવાન સામે 6 ગુનાઓ દાખલ છે, અને તે હજુ પણ ફરાર છે.
આરોપીઓમાંથી અવિનાશ પર લૂંટ અને હથિયાર ધરાવવાના ગુનાઓ નોંધાયેલા છે.
જપ્ત કરાયેલ મુદ્દામાલ
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લૂંટ બાદ આરોપીઓ કોઈપણ ટ્રેનમાં બેસીને તત્કાળ બિહાર ભાગી ગયા હતા. ટીકીટ વગર મુસાફરી કરવા બદલ તેમને દંડ પણ થયો હતો.આ સમગ્ર કાવતરાનો માસ્ટરમાઈન્ડ દિપક છે. તે જુદી જુદી જેલોમાં અન્ય આરોપીઓના સંપર્કમાં આવ્યો હતો અને ગેંગ બનાવી લૂંટ માટે યોજના ઘડી હતી. આરોપીઓ બે હથિયાર લઈને આવ્યા હતા અને ઘટનાસ્થળે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આધુનિક ટેક્નોલોજીથી પકડ
પોલીસે 300થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓના પગેરા શોધી કાઢ્યા. તમામ આરોપીઓ રીઢા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેઓ મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળતા હતા જેથી પકડાઈ ન જાય. તેમ છતાં પોલીસે માહિતીઓના આધારે ચોકસાઈથી કામગીરી કરી અને બંનેને પકડ્યા. હાલમાં ત્રીજો આરોપી પિન્ટુ પાસવાન હજુ વોન્ટેડ છે અને પોલીસે તેની શોધ તીવ્ર બનાવી છે.

