VIDEO: નવરાત્રીના બંદોબસ્ત માટે સુરત પોલીસ એક્શનમાં
નવરાત્રી મહોત્સવને લઈ સુરત શહેરમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શનમા આવ્યા છે. આ વખતે સુરતમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરત શહેરમાં નવરાત્રી મહોત્સવને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓ રહેશે ગ્રાઉન્ડ પર
ડીસીપી, એસીપી, પીઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓ ગ્રાઉન્ડ પર રહેશે. નવરાત્રીના બંદોબસ્ત માટે ખાસ કન્ટ્રોલરૂમ પણ બનાવાયો છે, જેથી કોઈપણ જગ્યાએ ભીડ એકઠી થાય તો તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી શકે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વ હેઠળ નવરાત્રી અને દશેરા મહોત્સવ માટે પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં વોચ ટાવર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી પોલીસની નજર દરેક એરિયા પર રહી શકે.
મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરાયો બંદોબસ્ત
ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં કાર્યરત રહેશે અને બોડી વોર્ન કેમેરા સાથે પેટ્રોલિંગ કરશે. આ કેમેરા લાઈવ કનેક્ટ રહેશે જેથી તાત્કાલિક કાર્યવાહી શક્ય બને. ભીડને કંટ્રોલ કરવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. વાહનચાલકોને ફૂલ સ્પીડમાં વાહન ન ચલાવવાની અપીલ પણ કરવામાં આવી છે. આયોજકો પાસ બનાવે તેમાં ડુપ્લિકેશન ન થાય તે માટે કડક કાર્યવાહી થશે. અવાવરું સ્થળે ખાસ લાઈટિંગ અને નાકાબંધીની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિશ્વ હિંદુ પરિષદ પણ એક્શનમાં
વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા પણ વિધર્મીઓને ગરબા પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરાયો છે. આયોજકો સાથે પોલીસની મીટિંગ પૂર્ણ થઈ ગઈ છે અને જો કોઈ અરાજકતા જોવા મળશે તો તાત્કાલિક કડક કાર્યવાહી થશે. નવરાત્રી દરમિયાન સુરતમાં ભારે સંખ્યામાં લોકો આવે છે, તેથી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસના દરેક વિભાગને મેદાનમાં તૈનાત કરાયા છે. કોઈપણ પ્રકારની અરાજકતા સહન કરવામાં નહીં આવે તેવી તૈયારીઓ જોવા મળી રહી છે.

