સુરત/ તાપી નદીમાં દુર્ગંધ મારતા પાણી સહિત લીલ દૂર કરવા ઉકાઈમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું

સુરત/ તાપી નદીમાં દુર્ગંધ મારતા પાણી સહિત લીલ દૂર કરવા ઉકાઈમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું
સુરતમાંથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદીમાં દર ઉનાળે લીલ જામી જતી હોય છે. ત્યારે દુર્ગંધ મારતાં પાણીને દૂર કરવા માટે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની માગ ઉઠી હતી. જેથી ઉકાઈ ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડીને નદીની સફાઈ કરવામાં આવી છે.
કોઝ-વેનું જળ સ્તર વધ્યું
શહેરની ઉનાળામાં પાણીની માંગ 1500 MLDથી વધીને 1520 MLD થઈ છે. જેથી કોઝ-વેનું જળ સ્તર ઘટી જતાં પાણીની ગુણવત્તા બગડી રહી છે. માર્ચના છેલ્લા અઠવાડિયાથી આ સ્થિતિ છે. સાથે લીલ અને બંધિયાર પાણીમાંથી દુર્ગંધ પણ આવતી હોવાથી ઉકાઈ ડેમમાંથી છેલ્લા પખવાડિયાથી સરેરાશ 800 ક્યુસેક (દર સેકંડે 24 હજાર લિટર) પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની નવી આવક થતાં કોઝ-વેનું જળ સ્તર 5 મીટરથી વધીને ગુરુવારે સાંજે 5.40 મીટર ઉપર પહોંચી ગયું છે. આગામી દિવસોમાં પાણીની ગુણવત્તા મહદઅંશે સુધરી જશે.
હાઈડ્રોલિક વિભાગે સાધ્યું સંકલન
ઉનાળામાં પાણીની માગમાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે તાપી નદીની સ્વચ્છતા થાય તે હેતુથી હાઈડ્રોલિક વિભાગ દ્વારા પાણી અગાઉ પાળ બાંધતા સિંચાઈ ખાતા સાથે સંકલન સાધ્યું હતું. જેથી આ સંકલનના સારા પરિપાક રૂપે શહેરની મધ્યમાંથી પસાર થતી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી શુદ્ધ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે.

