સુરત/ લસકાણામાંથી ગેસ રી-ફિલિંગનું કૌભાંડ ઝડપાયું, અલગ-અલગ કંપનીની 50 બોટલ સાથે એક પકડાયો

સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ગેસ રી-ફિલિંગ ગેરકાયદે થતાં હોવાના કૌભાંડ પકડાઈ રહ્યાં છે. લસકાણા વિસ્તારમાંથી ગેસ રી-ફિલિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી 50થી વધુ ગેસની બોટલ ઝડપી લેવામાં આવી હતી. બોટલ સાથે ગેસ રી-ફિલિંગના વેપલા સાથે સંકળાયેલા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
બાતમીના આધારે રેડ
લસકાણા વિસ્તારમાં પારસ ગુર્જર નામનો વ્યક્તિ ગેસ રી-ફિલિંગનું કામ ઘરે બેસીને કરતો હતો. ગેરકાયદે રીતે થતી આ કામગીરી અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી. જેમાંથી અલગ અલગ ગેસની બોટલ ધરાવતી કંપનીની બોટલ કબ્જે કરવામાં આવી હતી. સાથે જ પારસ ગુર્જરને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પરપ્રાંતિયોને ટાર્ગેટ કરાય છે
સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ મજૂરી કરવા આવતાં હોય છે. આ લોકો પાસે તેમના જરૂરી ડોક્યુમેન્ટ નથી હોતા. જેથી ગેસની બોટલ ન મળે તેવા સંજોગોમાં હોય છે. ત્યારે આ કૌભાંડીઓ મોટી ગેસની બોટલમાંથી નાની ગેસની બોટલમાં રી-ફિલિંગ કરતાં હોય છે. ગેરકાયદે થતી આ પ્રવૃતિમાં બ્લાસ્ટ પણ અગાઉ થયા હોવાનું સામે આવ્યું છે.

