સુરત/ આઈસ ડીશમાં વપરાતી ક્રીમ અને સીરપ હલ્કી ગુણવત્તાના, પાલિકાએ લીધેલા નમૂનામાં હકીકત આવી સામે

સુરતમાં ઉનાળામાં વેચાઈ રહેલી આઈસ ડીશના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય અને ફૂડ વિભાગે થોડા દિવસો અગાઉ દરોડા પાડ્યાં હતાં. જેમાં 16 પૈકી ત્રણ સંસ્થાઓમાંથી લેવામાં આવેલા નમૂના ફેઈલ જણાઈ આવ્યા હતાં. સીરપ અને ક્રીમના નમૂના પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેઈલ જણાઈ આવ્યા હતાં. આઈસ ડીશમાં વપરાતી ક્રીમ અને સીરપ હલકી ગુણવત્તાની હોવાનું સામે આવતાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મિલ્ક ફેટનું પ્રમાણ અયોગ્ય મળ્યું
આનંદ મહલ રોડ ઉપર આવેલ રજવાડી મલાઈ ગોલા નામની દુકાનમાંથી લેવામાં આવેલા ક્રીમના નમૂના ફેઈલ થયાં હતાં. ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું હતું. 60 ટકા મિલ્ક ફેટ હોવું જરૂરી છે. જેની સામે મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળ્યું હતું. સિંગણપોરની જે.બી. આઈશ ડિશ ગોળા સેન્ટરમાંથી લેવામાં આવેલ "ઓરેન્જ શિરપ"નો નમૂનો ફેઈલ થયો હતો.
સીરપ-ક્રીમનો નાશ કરાયો
આનંદ મહલ રોડ પર આવેલ રાજ આઈશ ડિશના ક્રીમના નમૂના ફેઈલ થયાં હતાં. જેમાં પણ મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું હતું. જેથી ત્રણેય સંસ્થાઓ સામે પાલિકાના આરોગ્ય અમે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકાએ એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે. હાલ તો પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા 22 લિટર સીરપ અને ક્રીમનો જથ્થો નાશ કરાયો હતો.

