સુરતમાં મોડીફાઈડ કરેલી 3 હજારથી મોંઘી બાઈક જપ્ત, દંડ ફટકારી સાયલેન્સર હટાવાયા

સુરતના યુવકોમાં બાઈકને મોડિફાઈડ કરવાની ઘેલછા ચાલી રહી છે. ત્યારે આ નબિરાઓને સીધા દોર કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે સખત કાર્યવાહી કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 3 હજારથી વધુ બાઈક્સ જપ્ત કરી હતી. પ્રદૂષણ ફેલાવતી આ મોડિફાઈડ બાઈક્સને કબ્જે લીધા બાદ દંડ ફટકારીને મુક્ત કરવામાં આવી હતી.
ધ્વનિ પ્રદૂષણ ફેલાવાતું હતું
નબીરાઓ પોતાની મોંઘીદાટ બુલેટ સહિતની સ્પોર્ટસ બાઈકને મોડિફાઈડ કરાવતાં હોય છે. આ નબિરાઓ દ્વારા સાયલેન્સર મોડિફાઈડ કરાવ્યા હોવાથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતાં હોય છે. જેથી કરીને લોકોના જીવ જોખમમાં મૂકાતા હોય છે. ત્યારે આ પ્રકારની ગેરપ્રવૃતિઓ સામે પોલીસ દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે.
દંડ પણ ફટકારાયો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં 3 હજારથી વધુ બાઈક્સ જપ્ત કરીને બાઈકના સાયલેન્સર પણ ચેન્જ કરવામાં આવ્યાં હતાં. સાથે જ દંડ 17 લાખ જેટલો કરવામાં આવ્યો છે. આ પ્રકારની કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું હતું.

