સુરત ભાજપ નેતાનું તમામ હોદ્દા પરથી રાજીનામું, બારડોલી ભાજપ સંગઠન સામે ગંભીર આક્ષેપો

નવસારી જિલ્લા ભાજપમાં ચાલી રહેલા વિખવાદ બાદ હવે સુરત જિલ્લા ભાજપ સંગઠનમાં પણ ભડકો થયો છે. સુરત જિલ્લા ભાજપ આદિવાસી મોરચાના મંત્રીએ પક્ષના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજીનામું આપતી વખતે તેમણે ભાજપના આંતરિક વિખવાદ અને તાલુકા સંગઠન સામે ગંભીર આક્ષેપો કરતાં પક્ષમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
બારડોલી ભાજપ સંગઠન સામે ગંભીર આક્ષેપો
સુરત જિલ્લા ભાજપ આદિવાસી મોરચાના મંત્રી ગણપત રાઠોડે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડને સંબોધીને લખેલા રાજીનામા પત્રમાં પોતાની વ્યથા ઠાલવી છે. તેમણે પત્રમાં જણાવ્યું કે, તેઓ વર્ષ 2009થી 2026 સુધી પક્ષમાં નિષ્ઠાપૂર્વક સક્રિય રહ્યા હોવા છતાં, છેલ્લા પાંચ વર્ષથી બારડોલી તાલુકા સંગઠન અને તાલુકા પંચાયતની ટીમ દ્વારા તેમને કોઈ સહકાર આપવામાં આવતો ન હતો. સંગઠન દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવતી હતી અને કામગીરીમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાનો પણ તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે.
વિકાસના કામોમાં રોડા નાખવાનો આક્ષેપ
આટલી પ્રતિકૂળતાઓ હોવા છતાં, તેમણે એક નિષ્ઠાવાન કાર્યકર તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી હતી. પરંતુ પક્ષના આંતરિક વલણથી કંટાળીને અંતે તેમણે છેડો ફાડવાનો નિર્ણય લીધો છે. તેમણે આ રાજીનામા પાછળ આર્થિક બાબતો અને વિકાસના કામોમાં રોડા નાખવામાં આવતા હોવાનો પણ સંકેત આપ્યો છે.

