સુરત/ મકાનના ત્રીજા માળે ધાબા પર ધમધમતું જુગારધામ ઝડપાયું, બે મહિલા સહિત છ જુગારીઓ મુદ્દામાલ સાથે પકડાયા

સુરતના વરાછા ખાતે આવેલી એક મકાનના ત્રીજા માળે ધાબા ઉપર જુગારધામ ધમધમતો હોવા અંગે માહિતી મળતા વરાછા પોલીસ ત્રાટકી હતી અને જુગારધામ ઉપર રેઇડ કરી હતી.ત્યારે સ્થળ પરથી જુગાર રમતા બે મહિલાઓ સહિત છ જુગારીઓને ઝડપી પાડયા હતા.અને રોકડ મળી મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આગામી હોળી-ધુળેટી તહેવાર અનુસંધાને પ્રોહીબીશન તથા જુગારની બદી નાબુદ કરવા માટે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.જેથી વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેર પ્રવુતિ અટકાવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઇન્સપેકટર એ.એન.ગાબાણી નાઓને અંગત બાતમીદાર મારફતે હકિકત મળેલ કે “વરાછા સપના સોસાયટી સનરાઇઝ કલાસીસ વાળી શેરી ઘર નં ૧૨૦ ના ત્રીજા માળે ધાબા ઉપર જાહેરમાં કેટલાક ઇસમોં જુગાર રમી રહ્યા છે.
બાતમીને આધારે ટીમના માણસોએ આયોજન પુર્વક ત્રીજા માળે ધાબા ઉપર રેઇડ કરી હતી. સ્થળ પરથી જુગાર રમતા ધીરૂભાઇ ઉનડભાઇ ગોહીલ (રહે – સપના સોસાયટી એલ.એચ.રોડ વરાછા ),મધુભાઇ અરજણભાઇ સાંખટ ( રહે લક્ષ્મણનગર સોસાયટી,કાપોદ્રા), મુકેશભાઇ ખોડુભાઇ બારીયા ( રહે- મોહન નગર સોસાયટી,કાપોદ્રા), ભરતભાઇ કાનાભાઇ કામળીયા (રહે-રામરાજય સોસાયટી કાપોદ્રા ), હંસાબેન તે બાબુભાઈ કાળુભાઇ સોલંકીની (રહે- અભયનગર સોસાયટી એલ.એચ.રોડ વરાછા) અને કિરણબેન પરષોતમભાઇ ગોહીલ (રહે -વિશાલનગર સોસાયટી કાપોદ્રા ) નાઓને ઝડપી પાડયા હતા તેમજ સ્થળ પરથી રોકડ મળી કુલ્લે રૂ.28 હજારનો મુદ્દામાલ કબ્જે કરી જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

