Surat News: RTOની નકલી રસીદ બનાવી વાહન છોડાવવાનું કૌભાંડ, છ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

સુરતમાં RTOની નકલી રસીદ બનાવી વાહનો છોડાવવાના કૌભાંડનો પર્દાફાશ થતાં શહેરના ટ્રાફિક તંત્ર અને પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં છ મહિનાથી ફરાર રહેતા મુખ્ય આરોપી રિક્ષા ચાલક સુનિલ શર્માને સુરત પોલીસે ધરપકડ કરી છે.આરોપી સુનિલ શર્માએ પોતાની લાલચના કારણે RTO કચેરી જેવી સત્તાવાર દસ્તાવેજોની નકલી રસીદો તૈયાર કરાવી હતી અને ઝડપાયેલ વાહનમાલિકોને તે રસીદો આપી સરથાણા ટ્રાફિક ગોડાઉનમાંથી વાહનો છોડાવતો હતો.
QR કોડની સ્કેનિંગ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો
આ રેકેટનો પર્દાફાશ ફેબ્રુઆરી 2025માં થયો હતો, જ્યારે ત્રણ યુવકો નકલી RTO રસીદ લઈને રીક્ષા છોડાવવા ગયા હતા. ટ્રાફિક પોલીસને શંકા જતા રસીદ પરના QR કોડની સ્કેનિંગ કરતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. ત્યારબાદ પોલીસે એક વર્ષની અંદર કુલ 29 નકલી રસીદો શોધી કાઢી હતી. પોલીસે પહેલા રિક્ષા ચાલક કૃષ્ણા કુશ્વાહાની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે કૃષ્ણાએ સુનિલ પંડિત નામના યુવક માટે માત્ર ₹6,000માં નકલી રસીદ તૈયાર કરાવી હતી.
ચકાસણી હાથ ધરાઈ
આ રસીદ પર સુનિલે એક રિક્ષા ચાલક પાસેથી ₹1,500 રોકડા લીધા હતા અને બાકી ₹4,500 રીક્ષા છોડાવ્યા બાદ લેવા જોઇતો હતો. પરંતુ આ પહેલા જ સમગ્ર કૌભાંડ બહાર આવી ગયું. DCP આલોકકુમારે કહ્યું કે, "અમે તકેદારી રાખીને તમામ ટ્રાફિક ગોડાઉનમાં નોંધાયેલ દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી છે. આવા ગુનાઓ માટે કડક કાર્યવાહી કરવામાં આવશે."

