VIDEO: સુરતમાં પૂર બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત કામગીરી
સુરતમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી આપત્તિ બાદ રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરતના નાગરિકોને મોટાપાયે આર્થિક અને ઘરવખરીનું નુકસાન સહન કરવું પડ્યું છે. આ મુશ્કેલ સમયમાં રાજ્ય સરકાર અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા અંદાજે ૨૫૦૦ જેટલા પરિવારોને રૂપિયા દોઢ કરોડની સહાયનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા આ સહાય કેશ ડોલ તેમજ ઘરવખરીના નુકસાનના વળતર રૂપે ચૂકવવામાં આવી છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાના ઘરની પ્રાથમિક જરૂરિયાતો તાત્કાલિક પૂરી કરી શકે.આ રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે સુરત શહેરના છ અલગ-અલગ તાલુકાઓમાં ૫૦ જેટલી વિશેષ ટીમો સતત કાર્યરત છે, જેઓ ઘરે-ઘરે જઈને નુકસાનીનો સચોટ અંદાજ મેળવી રહી છે. આગામી દિવસોમાં બાકી રહેલા તમામ વિસ્તારોનો તત્કાલ સર્વે પૂર્ણ કરી તમામ લાયક પરિવારોને સત્વરે આર્થિક સહાય ચૂકવી દેવામાં આવશે.

