Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : PP Savani family organizes mass marriage of 111 fatherless daughters

સુરત : પી.પી. સવાણી પરિવાર દ્વારા મુખ્યમંત્રી-મોરારીબાપુની ઉપસ્થિતિમાં પિતાવિહોણી 111 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા

Timeછેલ્લું અપડેટ : 14 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સુરત : પી.પી. સવાણી પરિવાર દ્વારા મુખ્યમંત્રી-મોરારીબાપુની ઉપસ્થિતિમાં પિતાવિહોણી 111 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા

સુરતના પી.પી.સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ‘પિયરીયું' નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી 111 દીકરીઓનો અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાજરમાન લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું હતું તેમજ 'પિયરીયું' છોડીને સાસરે વિદાય લઈ રહેલી પિતાવિહોણી દીકરીઓને દામ્પત્યજીવનની શુભેચ્છાઓ અને આશીર્વચન પાઠવ્યા હતા.

App Store

આ લગ્નોત્સવમાં વિશ્વવિખ્યાત રામકથા મર્મજ્ઞ પૂ. મોરારીબાપુ, મંત્રીઓ, વન પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. લગ્ન સમારોહની શીતળ સાંજે ઢોલ, શરણાઈ અને સંગીતની સુરાવલિઓ સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો સંગમ સર્જાયો હતો.

સવાણી પરિવારના આંગણેથી પિતાવિહોણી 111 દીકરીઓની લાગણીસભર વિદાય અપાઈ હતી. રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું હતું.           

આ પ્રસંગે મુખ્યમંત્રીએ સવાણી પરિવારની સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું કે, છેલ્લા 16 વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે 5274 દીકરીના પિતા બની ગયા છે. વર્ષ 2011થી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે.   

પિતાવિહોણી દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતિતી થાય છે એમ જણાવી મુખ્યમંત્રીએ છેલ્લા 16 વર્ષમાં લગ્ન થયેલી પિતાવિહોણી દીકરીઓને પિતાની ઓછપ ન લાગે, પિતાની ખોટ ન વર્તાય એવી કાળજી અને જવાબદારી તેમજ લગ્ન બાદ પણ મહેશભાઈ દ્વારા દીકરીઓની સગા પિતા માફક આજીવન કાળજી લેવાના ઈશ્વરીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રખ્યાત રામકથાકાર પૂ. મોરારીબાપુએ નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા અને સવાણી પરિવારની સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને બિરદાવ્યું હતું.